BJP protest against Congress AI summit : દેશની રાજનીતિમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ હવે વિવાદનું કેન્દ્ર બની છે. દિલ્હીમાં આયોજિત AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના ફોટાવાળા ટી-શર્ટ બતાવીને કરેલા પ્રદર્શનના જવાબમાં આજે ભાજપે દેશવ્યાપી મોરચો ખોલ્યો છે. ગુજરાતના સુરતથી લઈને દિલ્હી અને મુંબઈ સુધી ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે.
સુરતમાં કોંગ્રેસનું પૂતળાદહન
ગુજરાતના સુરતમાં ભાજપના કાર્યકરોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અને પ્રદર્શનના વિરોધમાં ભાજપે કોંગ્રેસનું પૂતળું સળગાવ્યું હતું. સુરત ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસની આ નીતિને દેશદ્રોહ સમાન ગણાવી હતી.

દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ બહાર હંગામો
દિલ્હીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય બહાર એકઠા થયા હતા. કાર્યકરોએ હાથમાં ‘કોંગ્રેસ-રાહુલ ગાંધી=ગદ્દાર’ અને ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’ તેવા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અહીં ભારે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
મુંબઈમાં રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવાયા
બીજી તરફ, મહારાષ્ટ્રના મુંબઈમાં પણ વિરોધની જ્વાળા જોવા મળી. રાહુલ ગાંધી જ્યારે મુલુંડથી ભિવંડી જઈ રહ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ તેમના કાફલાને કાળા ઝંડા બતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2014ના એક માનહાનિના કેસમાં રાહુલ ગાંધી આજે ભિવંડી કોર્ટમાં હાજર રહેવાના હતા.

AI summit: શું હતો સમગ્ર વિવાદ?
વિવાદની શરૂઆત 20 ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે થઈ હતી. ત્યાં ચાલી રહેલી AI સમિટ 2026માં ઇન્ડિયન યુથ કોંગ્રેસના 15-20 કાર્યકરોએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ અનોખું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકરોએ સફેદ ટી-શર્ટ ઉતારીને હવામાં લહેરાવ્યા હતા, જેના પર પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સાથે “PM IS COMPROMISED” લખેલું હતું. આ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજનીતિ ગરમાઈ છે.
આ પણ વાંચો: AI સમિટ 2026માં કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ, મોદી-ટ્રમ્પ ફોટાવાળી ટી-શર્ટ સાથે નારા
આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે
