@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

આગામી 21મી ફેબ્રુઆરીએ છ મનપાની ચૂંટણીનો જંગ જામશે.જેને લઇને ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામાંકન બાદ પ્રચંડ પ્રચારની શરૂઆત કરાઇ છે. હાલમાં જ પ્રદેશ ભાજપ દ્વારા 20 જેટલાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે.આ 20 જેટલાં સ્ટાર પ્રચારક નેતા આગામી દિવસોમાં ગુજરાતનાં વિવિધ સ્થળોએ ભાજપનાં જે તે ક્ષેત્રનાં ઉમેદવારોને જીતાડવા ચૂંટણીપ્રચારમાં જોતરાશે.
કયાં સ્ટાર પ્રચારકો કરશે પ્રચાર?

પ્રદેશ ભાજપ દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે.જેમાં કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની ગુજરાતમાં આવીને ભાજપ માટે પ્રચાર કરશે.આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સઘન પ્રચાર કરશે.આ વખતે સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરાયો છે તો બીજી બાજુ જીતુ વાઘાણીને વધુ એક વખત બાકાત રખાયા છે.આ સાથે જ પૂર્વ મંત્રીઓમાં રણછોડ રબારીનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત ભારતીબેન શિયાળ,પરસોત્તમ રૂપાલા,મનસુખ માંડવિયા,ભીખુભાઇ દલસાણિયા,ગોરધનભાઇ ઝડફિયા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ગણપત વસાવા,કુંવરજીભાઇ બાવળિયા,આઇ.કે.જાડેજા,પ્રદીપસિંહ જાડેજા,જશવંતસિંહ ભાભોર,નરહરિ અમીન,શંભુપ્રસાદ ટુંડિયા,ડો.જ્યોતિબેન પંડયા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે વિવિધ સભામાં હાજરી આપીને ભાજપનાં ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર કરશે.
21મી ફેબ્રુઆરીએ ચૂંટણીનો જંગ

રાજ્યની છ મહાનગરપાલિકા માટે 21મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.જેમાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને આ છ મનપાની 23મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.જે બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
