BMC Election Results 2026: દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન, BMCના આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ મુંબઈના રાજકારણમાં નવો ઈતિહાસ રચી દીધો છે. છેલ્લા ૨૫ વર્ષથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના વર્ચસ્વનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના ‘મહાયુતિ’ ગઠબંધને બહુમતીનો 114નો આંકડો વટાવી દીધો છે, જેનાથી મુંબઈમાં હવે ભાજપનું મેયરપદ સરળતાથી સુરક્ષિત થઈ શકે છે.
દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા: ‘આ જનતાનો વિશ્વાસ છે’
BMC Election Results 2026 બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ વિજયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, “ભાજપે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2025-26 માં ફરી એકવાર ઈતિહાસ લખ્યો છે! આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વિકાસ પર જનતાનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.” ફડણવીસે રાજ્ય ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચૌહાણ અને પક્ષના કાર્યકરોના અથાક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
BMC Election Results: કોને કેટલી મળી?
BMCની કુલ 227 બેઠકો પર થયેલા જંગમાં તાજા વલણો મુજબની સ્થિતિ:
- ભાજપ + શિંદે સેના (મહાયુતિ): 118+ બેઠકો (બહુમતી કરતા વધુ)
- શિવસેના UBT (ઉદ્ધવ ઠાકરે): 63 બેઠકો
- કોંગ્રેસ: 12 બેઠકો
- MNS (રાજ ઠાકરે): 06 બેઠકો
- અન્ય: 09 બેઠકો

45 વર્ષમાં પહેલીવાર ભાજપનું શાસન
1980માં ભાજપની સ્થાપના બાદ આ પહેલીવાર છે જ્યારે મુંબઈ પાલિકામાં ભાજપ પોતાના જોરે મેયર બનાવવાની સ્થિતિમાં પહોંચ્યું છે. 2017માં ભાજપે 82 બેઠકો જીતી હતી, પરંતુ ત્યારે શિવસેનાને ટેકો આપવો પડ્યો હતો. આ વખતે શિંદે જૂથ સાથે મળીને ભાજપે ઠાકરે પરિવારના ગઢમાં ગાબડું પાડ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ગત ચૂંટણી કરતા આશરે 19બેઠકોનું નુકસાન થવાનો અંદાજ છે.
આ પણ વાંચો: મુંબઈનો રાજા કોણ ? BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાન ચાલુ
આ પણ વાંચો:SMCના ગ્રીન બોન્ડનું મુંબઈ NSEમાં બેલ રીંગિંગ કરીને લીસ્ટિંગ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ…
