Ayodhya News : ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)જિલ્લામાં આવેલી રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજ (Medical College)માં શનિવારે સવારે એક શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કોલેજના એક્સ-રે વિભાગના ડ્રોઅરમાંથી મળેલા આ દસ્તાવેજમાં કથિત રીતે બોમ્બ (Bomb)બનાવવાની પ્રક્રિયા અને સંબંધિત વિગતો દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ કોલેજ વહીવટીતંત્રે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
માહિતી મુજબ, સવારે લગભગ 8 વાગ્યે એક્સ-રે વિભાગના ઇન્ચાર્જ નિયમિત કામગીરી માટે પહોંચ્યા હતા. ડ્રોઅર ખોલતાં તેમને શંકાસ્પદ પેમ્ફલેટ મળ્યો હતો. તેમણે તરત જ આ અંગે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. અરવિંદ સિંહને જાણ કરી. ત્યારબાદ સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી અને દસ્તાવેજ કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે શુક્રવારની રાત્રે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી સરફરાઝ એક્સ-રે વિભાગમાં ફરજ પર હતો. તપાસના આધારે પોલીસે સરફરાઝને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે સમયે અન્ય બે વ્યક્તિઓ પણ હાજર હતા.
આ માહિતીના આધારે પોલીસે અભિષેક નામના એક યુવાનની હોસ્પિટલ પરિસરમાંથી અટકાયત કરી છે, જ્યારે સંતોષ નામના અન્ય વ્યક્તિની પણ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ આ ત્રણેયની ભૂમિકા અને શંકાસ્પદ દસ્તાવેજ સાથેના તેમના સંભવિત સંબંધોની તપાસ કરી રહી છે.
મેડિકલ કોલેજના સીએમએસ ડૉ. અરવિંદ સિંહે જણાવ્યું કે શંકાસ્પદ દસ્તાવેજ મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને કોલેજ વહીવટીતંત્ર તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. પોલીસની તપાસ અને અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાલમાં અયોધ્યા પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. તપાસમાં એ જાણવા પ્રયાસ થઈ રહ્યો છે કે આ કોઈ ગંભીર કાવતરાનો ભાગ હતો કે પછી માત્ર અફવા ફેલાવવા અથવા વાતાવરણમાં ભયનો માહોલ ઉભો કરવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઘટના બાદ મેડિકલ કોલેજમાં સુરક્ષા વ્યવસ્થા (Security arrangements)વધુ કડક બનાવવામાં આવી છે અને કેમ્પસમાં દેખરેખ વધારવામાં આવી છે.
