London News: લંડનમાં મંગળવારે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATC સિસ્ટમમાં અચાનક ટેક્નિકલ (Britain ATC Technical Glitch) સમસ્યા સર્જાતા બ્રિટનની હવાઈ સેવા પર મોટી અસર પડી હતી. ખામીના કારણે અનેક ફ્લાઇટ્સના પ્રસ્થાનમાં વિલંબ થયો હતો, જ્યારે 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હોવાની માહિતી સામે આવી છે.
લંડનના મુખ્ય એરપોર્ટ પર સૌથી વધુ અસર
આ ટેક્નિકલ ખામીની અસર ખાસ કરીને લંડનના હીથ્રો, ગેટવિક, સ્ટેનસ્ટેડ અને લંડન સિટી એરપોર્ટ પર જોવા મળી હતી. બપોર બાદ આ એરપોર્ટ પરથી ઉપડનારી અનેક ફ્લાઇટ્સ નિર્ધારિત સમય કરતાં મોડી થઈ હતી. કેટલીક ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી (UK flight cancellation) હતી. ફ્લાઇટ ટ્રેકિંગના આંકડા અનુસાર, આ વિક્ષેપથી બ્રિટિશ એરવેઝ અને ઇઝીજેટ સહિતની અનેક એરલાઇન્સની કામગીરી પર અસર પડી હતી. માત્ર લંડન જ નહીં, પરંતુ મૅન્ચેસ્ટર, એડિનબર્ગ, બર્મિંઘમ અને બેલફાસ્ટ જેવા શહેરોના એરપોર્ટ પરથી આવતી-જતી ફ્લાઇટ્સ પણ વિલંબિત થઈ હતી.
Britain ATC Technical Glitch: 65 હજારથી વધુ મુસાફરો પર અસર
રાયનએર તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેના નેટવર્કમાં 65,000થી વધુ મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો અને તેની લગભગ 50 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બીજી તરફ, ઇઝીજેટે પણ જણાવ્યું હતું કે આ વિક્ષેપની અસર બ્રિટનની બહાર યુરોપીયન ફ્લાઇટ્સ સુધી પહોંચી રહી હતી.
વિદેશથી આવતી કેટલીક ફ્લાઇટ્સ પણ રોકાઈ
યુરોપિયન હવાઈ ટ્રાફિક મેનેજમેન્ટ સંસ્થા યુરોકન્ટ્રોલ અનુસાર, વિક્ષેપને કારણે વિદેશથી બ્રિટનમાં આવતી કેટલીક ફ્લાઇટ્સને તેમના એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવી હતી. આ સ્થિતિને કારણે મુસાફરોની મુસાફરીનું સમયપત્રક ખોરવાયું હતું અને સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
શું હતી ટેક્નિકલ સમસ્યા?
બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ એટલે કે NATSએ બપોરે ટેક્નિકલ સમસ્યાની જાણકારી આપી હતી. શરૂઆતમાં ફ્લાઇટ્સના પ્રસ્થાનમાં વિક્ષેપનું કારણ શોધવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ NATSએ સ્પષ્ટ કર્યું કે ખામી તેની ફ્લાઇટ પ્રોસેસિંગ સિસ્ટમમાં (Heathrow flights) સર્જાઈ હતી. NATSના જણાવ્યા અનુસાર, એન્જિનિયરોને તાત્કાલિક ખામી દૂર કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સિસ્ટમને શક્ય તેટલી ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે ટેક્નિકલ ટીમ કામ કરી રહી હતી. મુસાફરોને થયેલી અસુવિધા બદલ NATSએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો.
ફરી એકવાર ATC વ્યવસ્થા પર સવાલ
છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થામાં આવી મોટી ટેક્નિકલ સમસ્યાઓ સામે આવી ચૂકી છે. તાજેતરની ઘટનાએ ફરી એકવાર NATSની ટેક્નિકલ ક્ષમતા અને સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચા શરૂ કરી છે. એરલાઇન્સ તરફથી પણ આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે વ્યવસ્થામાં સુધારા કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગોનું વિમાન પોલ સાથે અથડાયું, નવી મુંબઈથી પહોંચી હતી ફ્લાઈટ
આ પણ વાંચો: વારાણસીથી દિલ્હી જતી ફ્લાઈટમાં ધુમાડાનું એલર્ટ, લખનૌમાં કરાઈ ઇમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર મુસાફરોમાં ઘટાડો, સ્થાનિક ફ્લાઈટ્સની સંખ્યા ઘટી
