ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો આગામી વર્ષે શરૂ કરવામાં આવશે. સાથે જ હૈદરાબાદને દેશના નવા હાઈ-સ્પીડ રેલ હબ તરીકે વિકસાવવા માટે ત્રણ નવા બુલેટ ટ્રેન કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી છે.
આવતા વર્ષે શરૂ થશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મુંબઈ-અમદાવાદ ( Mumbai Ahmedabad)હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આગામી વર્ષે સુરત અને બિલીમોરા વચ્ચેનો પ્રથમ વિભાગ મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર વાપી-સુરત, વાપી-અમદાવાદ, અમદાવાદ-ઠાણે અને અંતે અમદાવાદ-મુંબઈ સુધીનો સંપૂર્ણ રૂટ કાર્યરત કરવામાં આવશે.
હૈદરાબાદ બનશે દેશનું નવું હાઈ-સ્પીડ રેલ હબ
અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે કેન્દ્ર સરકારે હૈદરાબાદને ત્રણ નવા બુલેટ ટ્રેન કોરિડોરની ભેટ આપી છે. આ કોરિડોર હૈદરાબાદને પુણે, ચેન્નાઈ અને બેંગલુરુ સાથે હાઈ-સ્પીડ રેલ દ્વારા જોડશે. તેમના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી હૈદરાબાદ દક્ષિણ ભારતનું મહત્વનું હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટ હબ બનશે.
મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે
રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર નવા હાઈ-સ્પીડ કોરિડોર શરૂ થયા બાદ હૈદરાબાદથી પુણે વચ્ચેનું અંતર આશરે બે કલાકમાં કાપી શકાશે. ઉપરાંત હૈદરાબાદથી મુંબઈ અંદાજે 2 કલાક 50 મિનિટ, અમરાવતી 1 કલાક 10 મિનિટ, ચેન્નાઈ (Chennai) 3 કલાક અને બેંગલુરુ (Bengaluru)2 કલાક 35 મિનિટમાં પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ મુસાફરીને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે.
અર્થવ્યવસ્થા અને વિકાસને મળશે નવી ગતિ
રેલવે મંત્રીના જણાવ્યા મુજબ ત્રણ નવા બુલેટ ટ્રેન કોરિડોર માત્ર પરિવહન વ્યવસ્થામાં જ સુધારો નહીં લાવે, પરંતુ વેપાર, રોકાણ, રોજગાર અને પ્રાદેશિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા તેલંગાણા માટે ફાળવાયેલા રેલવે બજેટ અને હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં અનુપમ બ્રિજ 5 દિવસ બંધ રહેશે,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મેગા ટ્રાફિક બ્લોક જાહેર
આ પણ વાંચો: સાબરમતી નદી પર તૈયાર થયો 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો બુલેટ ટ્રેન બ્રિજ
આ પણ વાંચો: સુરતમાં તૈયાર થયો પહેલો બુલેટ ટ્રેન ડિપો: મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટમાં મોટું અપડેટ
