ગતિ/ 2026 સુધીમાં સુરતમાં બુલેટટ્રેન દોડશે : પહેલી ‘બુલેટ’ તો અમદાવાદને નામ

દેશની પહેલી બુલેટટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 502 કિલોમીટર લાંબી હાઈ સ્પીડ કૉરીડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Top Stories India
બુલેટ ટ્રેન

દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં બુલેટટ્રેન ટ્રેક ઉપર ફૂલસ્પીડે દોડતી હોય એ દિવસો હવે દૂર નથી રહ્યા. ખૂબ ઝડપથી એટલેકે આગામી ત્રણ ચાર વર્ષમાં સુરત બીલીમોરા અને મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટટ્રેન દોડતી જોવા મળશે. વર્તમાન સમયમાં જાપાનની હાઈસ્પીડ ટ્રેન શિન્કાનસેનને ભારતીય પરિસ્થિતિ અનુસાર ડીઝાઇન કરવામાં આવી રહી છે. શિન્કાનસેન ટ્રેનમાં ભારતીય તાપમાન, ધૂળ, અને વજનના ફેરફારો કરવામાં આવી રહ્યા હોવાની વાત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનાં મેનેજીંગ ડીરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું.

એમડી અગ્નિહોત્રીએ વધુ જણાવતા કહ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં સુરત બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું પરિક્ષણ કરવામાં આવશે જ્યારે દેશની પહેલી બુલેટટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 502 કિલોમીટર લાંબી હાઈ સ્પીડ કૉરીડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં રાજ્યમાં 352 કિલોમીટરનાં પાટા પાથરવામાં આવશે, તેના માટે 98. 7 ટકા જમીનનું અધિગ્રહણનું કામ પૂર્ણ થયું છે. દાદરા નગર હવેલીમાં 100% જમીન સંપાદિત કરવામાં આવી છે. વાપીથી સાબરમતી સુધીના તમામ 8 સ્ટેશનોનું બાંધકામ શરૂ થઈ ગયું છે. સુરત ડેપોના 128 ફાઉન્ડેશનમાંથી 118 ફાઉન્ડેશન પૂર્ણ થયા છે. સાબરમતી ખાતે પેસેન્જર ટર્મિનલ હબનું નિર્માણ કાર્ય HSR, મેટ્રો, BRT અને બે ભારતીય રેલ્વે સ્ટેશનોને એકીકૃત કરીને ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

રેલ મંત્રીને રોજ રિપોર્ટ મોકલવામાં આવે છે

સુરત અને નવસારી (બિલીમોરા) ટ્રેક પર ચાલતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યા બાદ એમડી અગ્નિહોત્રીએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અગ્રીમતા હેઠળ કામ થઇ રહ્યું છે. આ તકે જાપાનના રાજદૂત સાતોસી સિજુકી પણ હાજર હતા. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને આ બુલેટટ્રેનનાં કાર્યનો નિયમિત અહેવાલ મોકલવામાં આવે છે અને સુરત બિલીમોરા વચ્ચે 48 કિલોમીટરના અંતરની ટ્રેનનું ટ્રાયલ ડીસેમ્બર 2026 સુધીમાં શરૂ થઇ જશે. વધુ માહિતી આપતા અગ્નિહોત્રીએ કહ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વર્તમાનમાં 20 હાજર લોકો કામ કરી રહ્યા છે અને ખૂબ ઝડપથી એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા હેઠળ બુલેટટ્રેનું કામ તમામ ભારતીય કંપનીઓને આપવામાં આવ્યું છે. નર્મદા બ્રિજ, માહી બ્રિજ, તાપી બ્રિજ અને સાબરમતી બ્રિજ ઉપર વેલ ફાઉન્ડેશન  પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત સાબરમતી સુધી આઠ બુલેટ સ્ટેશનનું કામ પણ પ્રગતિમાં છે. સૌથી મહત્વની વાત જણાવતા પ્રોજેક્ટ એમડીએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં રોલિંગ અને સિગ્નલ સિસ્ટમ હોવાના કારણે ક્યારેય કોઈ અકસ્માત થશે નહિ.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર એક નજર

કોરિડોરની કુલ લંબાઈ 508.17 કિમી છે.

મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે

મુંબઈથી અમદાવાદ પહોંચવામાં 2.07 કલાક લાગશે (થોડા સ્ટોપ સાથે). બધા સ્ટોપ સાથે 2.58 કલાક લેશે

સ્ટેશનોની કુલ સંખ્યા – 12

ગુજરાતમાં – 8

મહારાષ્ટ્રમાં – 4

ગુજરાતના સ્ટેશનો

વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી

મહારાષ્ટ્રના સ્ટેશનો

મુંબઈ (BKC), થાણે, વિરાર અને બોઈસર.

આ પણ વાંચો : ‘લવ જેહાદ’નો જવાબ ‘લવ કેસરી’થી આપવાની વાત કહેતા બે નેતાઓ સામે FIR