અમદાવાદ: દેશના 10 લાખ જેટલાં બેંક કર્મચારીઓ મંગળવારથી બે દિવસની હડતાળ પર જવાના છે, જેના કારણે કરોડો રૂપિયાના બેંક વ્યવહારો અટકી પડશે. બેંકોના ખાનગીકરણ સહિત ૮ સૂત્રી માંગણીઓ પૂરી નહિ થવાના કારણે અને સરકારની નીતિઓ વિરુદ્ધ બેંકોના જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા તા. ૮મી અને ૯મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય કૃત બેન્કોના તમામ કર્મચારીઓની હડતાળને કારણે સોમવારે સાંજે જે બેન્કોનું ક્લિયરિંગ રજૂ કરવામાં આવશે તેને મંગળવારે અને બુધવારે ક્રેડીટ મળશે નહીં અને ગુરૂવારે સાંજે તમામને આ ક્લિયરિંગ ક્રેડીટ મળશે. ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, રાજકોટ જેવા મોટા શહેરોના વેપારીઓનું કરોડો રૂપિયાનું ક્લિયરિંગ કામકાજ બે દિવસ માટે અટવાશે અને તેમાં બે દિવસમાં અંદાજે રૂપિયા છ કરોડથી વધારેના ક્લિયરિંગના ચેકો અટવાશે એવુ કહેવાય રહ્યું છે.
ટ્રેડ યુનિયનનો દાવો છે કે, આ હડતાલમાં બેંક કર્મચારીઓ, બીએસએનએલ, એલઆઈસી, જીઆઈસી, ફેકટરી વર્કર્સ, રિઝર્વ બેન્કના કર્મચારીઓ, આંગણવાડી સાથે જોડાયેલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે. અમુક રાજ્યોમાં પોસ્ટ કર્મચારીઓ પણ હડતાલ પર જવાના છે.
આ બે દિવસની હડતાલ દરમિયાન ઠેર ઠેર દેખાવો કરવામાં આવશે. અમદાવાદમાં મહાગુજરાત બેંક એસોસિએશનના નેજા નીચે બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવશે. રાજકોટમાં આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે બેંક ઓફ ઈન્ડિયા ખાતે બેંક કર્મચારીઓ દેખાવો કરશે અને બાદમાં ત્રિકોણ બાગ ખાતે અન્ય ટ્રેડ યુનિયનો સાથે સામુહિક દેખાવોનો કાર્યક્રમ યોજશે.
ઉલ્લેખનીય છે કે, ગત તા. ૨૮મી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે સંમેલન યોજાયુ હતું. જેમાં તા. ૮ અને ૯ જાન્યુઆરીના રોજ બે દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનને દેશના ૧૦ મોટા કામદાર યુનિયનોએ ટેકો આપ્યો છે. બેંક, એલઆઈસી, બીએસએનએલ, પોસ્ટ સહિત વિવિધ સરકારી કચેરીઓના યુનિયનોએ પણ ટેકો આપ્યો છે.
આવતીકાલની હડતાલમાં ૨૦ કરોડ કર્મચારીઓ હડતાલ પર જોડાઈ તેવી શકયતા છે. આ હડતાલની સૌથી વધુ અસર બેન્કિંગ, વિમા તથા સરકારી કચેરીઓ ઉપર પડે તેવી સંભાવના છે.
બેંકોમાં આજે રજૂ થનારા ક્લિયરિંગના ચેક અટકી જશે અને આજે જમા કરાવેલ ચેક ગુરૂવારે સાંજે જમા થશે. જો પ્રિમીયમ ભરવાનું હોય તો તે સમોવારે જ ભરવાનુ રહેશે.
