New Delhi News : કેન્દ્રીય મંત્રીમંડળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય વીમા કંપનીઓમાં વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદા 74 ટકા પરથી વધારીને 100 ટકા કરવાની ઐતિહાસિક મંજૂરી આપી છે. આ મહત્વના નિર્ણય સાથે વીમા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના અનેક માળખાકીય સુધારાઓ પણ અમલમાં લાવવામાં આવશે. પ્રસ્તાવિત બિલ આ શિયાળુ સત્ર દરમિયાન સંસદ સમક્ષ રજૂ થવાની શક્યતા છે.
લોકસભાના બુલેટિન અનુસાર “વીમા કાયદા (સુધારા) બિલ 2025” વીમા પ્રવેશ વધારવાનું, ક્ષેત્રિય વિકાસ પ્રોત્સાહિત કરવાનું અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવાનો હેતુ ધરાવે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ વર્ષની બજેટ ભાષણમાં વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 100 ટકા કરવાની યોજના જાહેર કરી હતી. હાલના આંકડા મુજબ વીમા ઉદ્યોગમાં અત્યાર સુધી ₹82,000 કરોડથી વધારે FDI આવી ચૂકી છે.
નાણા મંત્રાલયે વીમા અધિનિયમ 1938 માં અનેક સુધારા સૂચવ્યા છે, જેમાં FDI મર્યાદા વધારો, ચૂકવેલ મૂડીની જરૂરિયાત ઘટાડવી અને સંયુક્ત લાઇસન્સ માળખું બનાવવાના પ્રસ્તાવો શામેલ છે. વ્યાપક સુધારાના ભાગરૂપે જીવન વીમા નિગમ અધિનિયમ 1956 અને વીમા નિયામક અને વિકાસ સત્તા (IRDAI) અધિનિયમ 1999 માં પણ ફેરફારો કરાશે.
તેના બોર્ડને નવી શાખાઓ ખોલવા અને સ્ટાફની ભરતી કરવા જેવા કાર્યકારી બાબતો પર વધુ સત્તા આપવાનો કાયદામાં ફેરફારોનો હેતુ છે. જેનાથી આર્થિક વિસ્તરણ અને રોજગાર સર્જનને ટેકો મળશે. આ સુધારાઓ ઉદ્યોગ કાર્યક્ષમતામાં સુધારો કરશે, વ્યવસાયિક કામગીરીને સરળ બનાવશે અને ‘2047 સુધીમાં બધા માટે વીમો’ ના વિઝનને પ્રાપ્ત કરવા માટે વીમા પ્રવેશને આગળ ધપાવશે તેવી અપેક્ષા છે. 1938નો વીમા કાયદો ભારતમાં વીમાનું સંચાલન કરતો પાયાનો કાયદો છે, જે વીમા કંપનીઓના કાર્યકારી માળખાની રૂપરેખા આપે છે અને વીમા કંપનીઓ, પોલિસીધારકો, શેરધારકો અને નિયમનકાર, ઇરડાઈ વચ્ચેના નિયમનકારી સંબંધને વ્યાખ્યાયિત કરે છે.
આ સુધારાઓથી LIC જેવી સંસ્થાઓને નવી શાખાઓ ખોલવા અને સ્ટાફની ભરતી જેવા કાર્યકારી નિર્ણયો વધુ સ્વતંત્ર રીતે લેવા સક્ષમ બનશે. સરકારના મત મુજબ, આ પરિવર્તનો પોલિસીધારક સુરક્ષાને મજબૂત બનાવશે, વીમા બજારમાં નવી સ્પર્ધા લાવશે, નાણાકીય પ્રવાહ વધારશે અને રોજગાર સર્જનને ગતિ આપશે. આ પગલું ‘2047 સુધીમાં દરેક માટે વીમો’ના રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવામાં પણ મદદરૂપ થશે.

