New Delhi: તહેવારોની સિઝનમાં વિમાન ભાડા વધી જતા મુસાફરોની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું કહ્યું છે કે વિમાન ભાડા પર વર્ષભરની મર્યાદા નક્કી કરવી શક્ય નથી. સરકારનું કહેવું છે કે ભાડા માંગ અને ઋતુ અનુસાર બદલાય છે, તેથી આખા વર્ષ માટે મર્યાદા લાદવી વ્યવહારુ નથી.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ લોકસભામાં કહ્યું કે તહેવારો અને વધુ ભીડ વીળા સીઝનમાં હવાઈ ટિકિટના ભાવે સ્વાભાવિક રીતે વધારો થાય છે. આ કારણસર, આખા વર્ષ માટે ટિકિટના ભાવે કોઈ નિશ્ચિત મર્યાદા નક્કી કરવી શક્ય નથી. મંત્રીએ જણાવ્યું કે જ્યારે મુસાફરોની માંગ વધારે હોય છે, ત્યારે ભાડા પણ વધે છે, અને આ સમયે મંત્રાલય એરલાઈન્સને વધુ ફ્લાઇટ્સ ચલાવવા માટે માર્ગદર્શન આપ્યુ છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે પીક સીઝન દરમિયાન મુસાફરોને વધુ વિકલ્પો પૂરા પાડવા માટે વધારાની ફ્લાઇટ્સ ઉમેરવા અને રૂટનો વિસ્તાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એરલાઇન્સને પીક સીઝન દરમિયાન બેઠક ક્ષમતા વધારવા અને લોકપ્રિય રૂટ પર વધુ ફ્લાઇટ્સ ચલાવવાની સૂચના આપવામાં આવી છે.
સરકાર એ સમયે પગલાં લઈ રહી છે જ્યારે ઇન્ડિગો પોતાની તાજેતરની કામગીરીની મુશ્કેલીઓને કારણે ફ્લાઇટ શેડ્યૂલ ઘટાડવા પર મજબૂર થઈ હતી. રામમોહન નાયડુએ જણાવ્યું છે કે મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ ટિકિટની કિંમતોને સમાયોજિત અને મુસાફરો માટે વાજબી રાખવાનો છે.
આ માટે એરલાઇન્સને જણાવ્યું છે કે તેઓ પોતાની ફ્લાઇટ ક્ષમતા વધારવા માટે કાર્ય કરે. અને નવી ફ્લાઇટ્સ શરૂ કરે જેથી વધુ મુસાફરોને સેવાઓ મળી શકે. તેમજ સલામતીના નિયમોનું કડક પાલન કરે.
સરકારનું કહેવુ છે કે, મુસાફરો માટે વિકલ્પો ઉપલબ્ધ કરાવવા રૂટ અને ફ્લાઇટ ક્ષમતા સતત વધારવી જરૂરી છે. આ પ્રયાસો મુસાફરીને સરળ, સુરક્ષિત અને સુલભ બનાવવાના હેતુથી થઈ રહ્યા છે.
