Hotel Bill LPG Charge Ban: જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો, તો આ સમાચાર તમારા ખિસ્સા બચાવી શકે છે. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) એ હોટલો દ્વારા વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે લાલ આંખ કરી છે. સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવેથી કોઈ પણ રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં ગેસ કે ઈંધણના નામે અલગથી એક રૂપિયો પણ વસૂલી શકશે નહીં.
શું છે સરકારનો નવો નિયમ?
વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટનો ફાયદો ઉઠાવીને કેટલીક હોટલો ગ્રાહકો પાસેથી ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ કે ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા નામે વધારાના પૈસા પડાવતી હતી. CCPA એ આ પ્રથાને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ (Unfair Trade Practice) ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
મેનૂ કાર્ડની કિંમત જ અંતિમ ગણાશે
ગ્રાહક સુરક્ષા વિભાગે સ્પષ્ટતા કરી છે કે ઈંધણ, વીજળી કે ગેસનો ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો ભાગ હોવાથી, આ ઓપરેશનલ ખર્ચને અલગથી વસૂલવાને બદલે વાનગીની કિંમતમાં જ સામેલ કરવો જોઈએ. આ ઉપરાંત, બિલમાં માત્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ફરજિયાત ટેક્સ (GST) જ અલગથી ઉમેરી શકાય છે. કાયદાકીય જોગવાઈની વાત કરીએ તો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ મુજબ મેનૂમાં દર્શાવેલી કિંમત જ અંતિમ કિંમત હોવી જોઈએ.
નિયમ તોડનાર હોટલ સામે થશે કડક કાર્યવાહી
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર મળેલી અનેક ફરિયાદો બાદ સરકારે આ એડવાઈઝરી જાહેર કરી છે. જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ બિલમાં આવો કોઈ વધારાનો ચાર્જ ઉમેરે છે, તો ગ્રાહક તેની સામે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે ભારે દંડ અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
LPG Charge દેખાય તો ગ્રાહકોએ શું કરવું?
જ્યારે પણ તમે રેસ્ટોરન્ટમાં જાવ, ત્યારે બિલને ધ્યાનથી તપાસો. જો બિલમાં સર્વિસ ચાર્જ કે LPG ચાર્જ જેવું કંઈ પણ દેખાય, તો તમે તેને હટાવવા માટે કહી શકો છો. જાગૃત ગ્રાહક તરીકે તમારા હક માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!
આ પણ વાંચો: ગુજરાતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછત, હોટલ-રેસ્ટોરન્ટના માલિકો મુશ્કેલીમાં!
આ પણ વાંચો: રાજકોટમાં ઓમ રેસ્ટોરન્ટમાં GSTની રેડ દરમિયાન દારૂની બોટલો મળી
