Gujarat CAG Report 2026: ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કેગ (CAG) રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર અને પોલીસ વિભાગની પોલ ખુલી ગઈ છે. એક તરફ સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ની વાતો કરે છે, તો બીજી તરફ પોલીસ કસ્ટડીમાં રહેલું હજારો કિલો ડ્રગ્સ ‘રહસ્યમય’ રીતે ગાયબ થઈ રહ્યું છે.

ઉંદર ડ્રગ્સ ખાઈ ગયા કે ચોરી થઈ?
CAG રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2010 થી નવેમ્બર 2022 દરમિયાન ગુજરાત પોલીસે કુલ 6,510 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પરંતુ જ્યારે આ જથ્થાના નિકાલની વાત આવી ત્યારે માત્ર 4,177 કિલો જથ્થો જ નોંધાયો હતો, એટલે કે 2,332 કિલો (35 ટકા) ડ્રગ્સનો જથ્થો ઓછો જોવા મળ્યો. આ અંગે પોલીસનો ખુલાસો આપતા CID ક્રાઇમે એવો વિચિત્ર દાવો કર્યો કે 144 કિલો ગાંજો ચોરી થઈ ગયો અને બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા! જોકે, કેગે (CAG) આ ખુલાસા પર શંકા વ્યક્ત કરતા નોંધ્યું છે કે આટલી મોટી ઘટ માત્ર ભેજ કે ઉંદરોને કારણે શક્ય નથી અને આમાં કંઈક રમત હોઈ શકે છે.

ગુજરાતના માથે ₹3.80 લાખ કરોડનું દેવું
આર્થિક મોરચે પણ રિપોર્ટ ચિંતાજનક છે. ગુજરાતના માથે દેવાનો પહાડ સતત વધી રહ્યો છે. રાજ્ય પર અત્યારે 3.80 લાખ કરોડનું દેવું છે અને એક જ વર્ષમાં આ દેવામાં 22 હજાર કરોડનો વધારો થયો છે. આ ઉપરાંત, સરકારના વિવિધ વિભાગોએ હજુ સુધી ₹7,431 કરોડના ખર્ચના પ્રમાણપત્રો (UC) જમા કરાવ્યા નથી. એટલું જ નહીં, PM આવાસ યોજનાના ખાતામાંથી પણ ₹143 કરોડ ઉપાડીને સરકારે વ્યાજની કમાણી કરી છે, પરંતુ હજુ ₹37 કરોડ જમા કરાવવાના બાકી છે.
ક્યાં ગયું 35 કરોડ કિલો અનાજ?
જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં પણ મોટું કૌભાંડ હોવાના સંકેત મળ્યા છે. વર્ષ 2015-23 દરમિયાન વ્યાજબી ભાવની દુકાનોને અપાયેલા અનાજના જથ્થામાં 35 કરોડ કિલોનો તફાવત જોવા મળ્યો છે. આટલો મોટો જથ્થો ગરીબો સુધી પહોંચવાને બદલે ક્યાં ગાયબ થયો તે મોટો સવાલ છે.
સકારાત્મક પાસા અને સામાજિક ચિંતા
રિપોર્ટમાં કેટલીક સારી બાબતો પણ છે, જેમ કે ગુજરાતની માથાદીઠ આવક વધીને ₹3.66 લાખ થઈ છે અને GSDP માં રાજ્યનો હિસ્સો 8 ટકા છે. જોકે, સ્ત્રી-પુરુષના પ્રમાણમાં ગુજરાત હજુ પાછળ છે. અહીં 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓ છે, જે સામાજિક રીતે ચિંતાનો વિષય છે.
