Ahmedabad News: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની કેદની સજા સામે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court )નો દરવાજો ખટખટાવ્યો છે. ફોરેસ્ટ ઓફિસર પર હુમલો, ધમકી અને હવામાં ફાયરિંગના કેસમાં સજા મળ્યા બાદ ચૈતર વસાવાએ કોર્ટના હુકમ પર સ્ટે, સજા સામે અપીલ અને જામીન માટે અરજી દાખલ કરી છે. આ અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.
નર્મદા કોર્ટે 9 આરોપીઓને ફટકારી હતી 7 વર્ષની સજા
આ કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા સંભળાવી હતી.નર્મદા પોલીસે આ મામલે IPCની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપો મુજબ જમીનના વિવાદને લઈને ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવી માર મારવામાં આવ્યો હતો, ધમકી આપવામાં આવી હતી અને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
Chaitar Vasavaની હાઈકોર્ટમાં સ્ટે અને જામીનની માંગ
સજા સામે ચૈતર વસાવા (Chaitar Vasava)એ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court )માં અપીલ દાખલ કરી છે. આ સાથે નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા અને જામીન મંજૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.તાજેતરમાં હાઈકોર્ટે આ જ કેસમાં શકુંતલા વસાવા સહિત પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તેઓ મુખ્ય આરોપીઓ નહોતા અને ઘટનામાં તેમની સીધી ભૂમિકા અંગે કોઈ ઇજા પહોંચાડવાનો પુરાવો નથી.
શું છે સમગ્ર મામલો?
આ કેસની શરૂઆત જમીન વિવાદથી થઈ હતી. રજૂઆત મુજબ, જંગલ વિસ્તારમાં આવેલી કેટલીક ખાલી જગ્યાઓ પર સ્થાનિક લોકોએ કપાસનું વાવેતર કર્યું હતું. બાદમાં વન વિભાગ દ્વારા આ જગ્યા ખાલી કરાવવામાં આવી હતી અને સામાન હટાવવામાં આવ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવા (Chaitar Vasava)નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વળતર આપવાની વાતથી વિવાદનો અંત આવ્યો હોવાનો બચાવ પક્ષનો દાવો હતો.જોકે, બાદમાં વન વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં શું આરોપો હતા?
ફરિયાદ મુજબ ચૈતર વસાવા અને અન્ય આરોપીઓએ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપી હતી. તેમના પર વળતર માટે દબાણ કરવાનો, અપશબ્દો બોલવાનો અને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.પોલીસ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ હતો કે ચૈતર વસાવા (Chaitar Vasava)એ હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ રિવોલ્વર મંગાવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આરોપ મુજબ વન વિભાગના કર્મચારીઓ પર દબાણ બાદ ATM મારફતે રકમ ઉપાડી ખેડૂતોને ચૂકવવામાં આવી હતી.હવે સમગ્ર મામલે હાઈકોર્ટ (Gujarat High Court )માં 5 ઓગસ્ટે થનારી સુનાવણી પર સૌની નજર રહેશે. ચૈતર વસાવાને સજા સામે રાહત મળે છે કે નહીં તેનો નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ચૈતર વસાવાના કેસ પર મનસુખ વસાવાનો સવાલ, ‘જ્યારે જરૂર હતી ત્યારે AAP ક્યાં હતી?’
આ પણ વાંચો:AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ઝઘડિયા GIDC પોલીસની નોટિસ, 29 જૂને હાજર થવા નિર્દેશ
