Dharm & Bhakti: આચાર્ય ચાણક્ય એમની અચૂક નીતિઓ (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં ઉતારીને સફળતા મેળવી રહ્યાં છે. તેઓ એક મહાન શિક્ષણવિદ્ હોવાની સાથે-સાથે ધુરંધર અર્થશાસ્ત્રી પણ હતા.
કૌટિલ્ય ચાણક્ય (Chanakya) અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.

વિષ્ણુગુપ્તનું ‘ચાણક્ય’ કે ‘કૌટિલ્ય’ નામ કેમ પડ્યું?
‘ચાણક્ય’ (Chanakya) નામાભિધાન એમના પિતા ચણકના નામ ઉપરથી થયેલું છે. ચાણક્યનો જન્મ મગધ રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં થયો હતો. એ સમયે મગધ (Magadh) ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણાતું હતુ, જેમાં નંદ વંશ (Nand Vansh)નું શાસન હતું અને તેનો રાજા ધનનંદ એક અત્યંત અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો ક્રૂર સ્વાર્થી રાજા હતો.
કુટલના ગોત્રમાં જન્મ લેવાથી તે કૌટિલ્ય કહેવાતા હોવાનો મત છે. તેમની રાજનીતિ કુટિલ હતી તેથી તે કૌટિલ્ય કહેવાયા એ મત ઘણા વિદ્વાનોના મતે યથાર્થ નથી કારણ કે, વિષ્ણુગુપ્ત ચાણક્યે જે રાજનીતિ શીખવી એ નૈતિકતાવિહીન કે કુટિલ નથી. પ્રાચીન ભારતીય સંદર્ભોમાં તો તેઓ વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય નામોથી પરિચિત છે.
સ્ત્રીની શક્તિ એના સૌંદર્ય અને વાણીમાં હોય (Chanakya Niti Sutra)
સ્ત્રીઓ વિશે એમણે અનેક વાતો કરી હતી, જે પૈકીની એક વાત એવી છે જેની ખબર દરેક સ્ત્રીને અવશ્ય હોવી જ જોઇએ અને એ છે, સ્ત્રીના સામર્થ્યની વાત!

એક શ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય જણાવે છે કે, સ્ત્રી ઇચ્છે તો, એ જે ધારે એ તમામ વસ્તુઓ પ્રાપ્ત કરી શકે અથવા તો ધારેલા કાર્યો પાર પાડી શકે છે! ચાણક્યના મતે, સ્ત્રીને નિર્બળ સમજવી એ તમારી ભૂલ છે કારણ કે, જો સ્ત્રીને પોતાની શક્તિની ખબર પડી જાય તો એ પહાડ જેવું કાર્ય પણ આસાનીથી કરી શકે છે! તો ચાલો જાણીએ, કયો છે આ શ્લોક અને શું છે એનો ભાવાર્થ? આ શ્લોકના માધ્યમથી આચાર્ય ચાણક્ય શું કહેવા માંગે છે?
“બાહુવીર્ય બલં રાજ્ઞો બ્રહ્મવિત્ બલી
રુપ-યૌવન-માધુર્ય સ્ત્રીણાં બલમનુત્તમમ્”
આચાર્ય ચાણક્ય કહે છે કે, રાજા (King)નું સામર્થ્ય એની ભુજાઓમાં હોય છે, એક બ્રાહ્મણની શક્તિ એનું જ્ઞાન હોય છે તથા સ્ત્રીની શક્તિ (Woman Power) એના સૌંદર્ય અને વાણીમાં હોય છે. આ શ્લોક દ્વારા ચાણક્ય જણાવે છે કે, રાજાનું કામ પ્રજાની રક્ષા કરવાનું હોય છે, તેથી રાજાનું શક્તિશાળી કે બાહુબલિ હોવું આવશ્યક છે.
જે રાજા સામર્થ્યવાન હોય એ પોતાના રાજ્યની પ્રજા અને દુશ્મનોને સંભાળવા માટે સક્ષમ હોય છે. આ જ પ્રમાણે, બ્રાહ્મણની ઓળખ એના જ્ઞાન પરથી કરવામાં આવે છે. એક બ્રાહ્મણ (Brahmin)નું સાચું સામર્થ્ય એનું જ્ઞાન જ હોય છે. તે પોતાની બૌદ્ધિક ક્ષમતાથી સામેવાળાને સુપેરે સમજાવી શકે છે. જેની પાસે જ્ઞાન હોય છે, એને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.
વાણીનો ઉપયોગ હંમેશાં સારા કાર્યોમાં જ કરવો
ચાણક્ય વધુમાં કહે છે કે, સ્ત્રીનું સૌંદર્ય અને મધુર વાણી (Speech) જ એની મુખ્ય તાકાત હોય છે, જેના બળ પર તે ધારે એ કરી શકે છે અથવા તો અન્યો પાસે કરાવી શકે છે.
આથી જ તો કહેવાય છે ને કે, સ્ત્રીએ પોતાની વાણીનો ઉપયોગ હંમેશાં સારા કાર્યોમાં જ કરવો જોઇએ. વિશ્વની દરેક મહિલા ખૂબ સુંદર હોય છે અને તેની આ સુંદરતા ભીતર છુપાયેલા ગુણોના કારણે હોય છે. જો પ્રત્યેક મહિલા પોતાની અંદર છુપાયેલી આ સુંદરતાને જાણી લે તો એ સ્ત્રી અત્યંત શક્તિશાળી બની શકે છે.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
