ભાવનગર/ ગામડાને પુનઃધબકતાં કરવાનાં અભિગમ સાથે લોકભારતી યુનિવર્સિટીમાં કાર્યભાર સંભાળતા કુલપતિ ડૉ.ભદ્રાયુ વછરાજાની

ડો.ભદ્રાયું વચ્છરાજાનીએ સાવરણાં સાથે રાખી અનોખી રીતે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ના કુલપતિ તરીકે પદભાર સંભાળ્યો છે.

Top Stories Gujarat Others
લોકભારતી

ભાવનગર જિલ્લાના સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો છે. આજે લોકભારતી યુનિવર્સિટીના નવનિયુક્ત વડાઓએ સાવરણાઓ સાથે પદભાર સંભાળ્યો હતો. તેમની સાથે ઉપકુલપતિ તરીકે ડૉ.વિશાલ ભાદાણી અને રજિસ્ટ્રાર તરીકે સંસ્કૃત શાસ્ત્ર પ્રાધ્યાપક  રાજેન્દ્ર ચોટલિયાએ પણ તેમનો પદભાર સંભાળ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં શિક્ષણ માટે વધુ આયામો વિકસી શકે તેવા હેતુ સાથે વિશ્વમાં આકાર લઇ રહેલાં નવા આયામો અને અવસરને ધ્યાને લઈ ‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ની ચાલું વર્ષે મંજૂરી આપી હતી.

‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન’ જે ગ્રામ્ય સંશોધન શિક્ષણ માટે વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલય બની રહેવાની છે તેવી અલગ યુનિવર્સિટીના વડા તરીકે પદભાર પણ આ સાક્ષરવર્યોએ ગામ અને ગામડાની વિભાવનાને ચરિતાર્થ કરતાં હાથમાં સાવરણો પકડીને વિદ્યાની દેવીનું આંગણું સાફ કરીને આ નૂતન કાર્યના શ્રી ગણેશ કર્યો હતાં. નવનિયુક્ત વડાઓનું કુમારિકા અને લોકભારતીના અગ્રણીઓના હસ્તે શ્રીફળ, સાકરપડા અને સૂતર આંટી વડે અભિવાદનથી સ્વાગત- સત્કાર કરવામાં આવ્યો હતો.

લોકભારતી

ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની

લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા તરીકે નિયુક્ત થયેલ ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ સહર્ષ કહ્યું કે, લોકભારતી સંસ્થા તેના પૂર્વસુરિઓના કર્મોથી તપોભૂમિ બનેલી છે. તેમાં કામ કરવું મારે માટે આનંદની વાત છે.  વધુમાં તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટી ગામ અને ગામડાના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી દેશની પ્રથમ અલગ પ્રકારની યુનિવર્સિટીછે. તેથી ગામડાને નવીન ટેક્નોલોજી સાથે તથા નવાં સંશોધનો સાથે ગામડાને ધ્યાનમાં રાખીને જ આગળ કાર્ય કરવામાં આવશે. તેમજ  લોકભારતીના હરિયાળા વિશાળ પરિસરમાં અહીં આવનાર વિદ્યાર્થી હરતાં-ફરતાં અને કાર્ય કરતાં-કરતાં જીવાતા જીવન સાથે નવું શિક્ષણ પામશે. જે ખરાં અર્થમાં આ યુનિવર્સિટીના ધ્યેયને ચરિતાર્થ કરશે. આ યુનિવર્સિટી કાર્ય તો સ્થાનિક સ્તરે જ કરશે. પરંતુ તે વૈશ્વિક પ્રવાહોને આધારે નવી ટેક્નોલોજી સાથે ગામડાને ફરીથી પુનઃધબકતાં કરવાં માટે કાર્ય કરશે.

અરુણભાઈ દવે

લોકભારતી સંસ્થાના વડા અરુણભાઈ દવેએ આ નિમણૂંક વિશે પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, લોકભારતી સંસ્થા શિક્ષણ, સંવર્ધન અને વિસ્તરણ સાથે કાર્ય કરતી સંસ્થા છે. કેળવણીની અન્ય બધી શાખાઓ અત્રે ચાલુ જ છે પરંતુ આ નવી યુનિવર્સિટીની માન્યતા મળતાં  હવે લોકભારતીના કેળવણીના મૂળભૂત મૂલ્યો સાથે આધુનિક અને અનિવાર્ય શિક્ષણની વધુ સુવિધા ઉપલબ્ધ થઈ છે.

આ પદગ્રહણ અવસરે સંસ્થાના અગ્રણી  રામચંદ્રભાઈ પંચોલી,  લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારિ,  ઉપનિયામક શ્રીધરભાઈ ગજ્જર,  ગીરીશભાઈ ગોધાણી સાથે સંસ્થાના કર્મચારીઓ તથા સંસ્થાના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો :  મેમો ભરશો જ પડશે : ઈ-મેમો ન ભરનારા સામે કરાશે FIR અને શરૂ થશે ઈ-કોર્ટ પ્રોજેક્ટ