Banaskantha News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરના ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈને પરિસ્થિતિ નું સ્થળ નિરીક્ષણ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.તેમણે અસરગ્રસ્ત્તોની મુલાકાત લઈને પરિસ્થિતિનો જાયજો મેળવ્યા બાદ સૂઇ ગામ પ્રાંત અધિકારીની કચેરીમાં સમીક્ષા બેઠક યોજી હતી.

વિધાન સભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી બનાસકાંઠા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની વિગતો પૂરી પાડી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગામ પ્રાંત કચેરી સુઈગામ ખાતે સરહદી વિસ્તારના આગેવાનો સાથે સંવાદ કર્યો.
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની આગેવાનો પાસેથી જાણકારી મેળવી.બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત સુઈ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેના આશ્રય સ્થાનની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ મહિલાઓ અને બાળકોના ખબરઅંતર પુછ્યા હતા

66 કેવી જલોયા વીજ સબ સ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની સમસ્યાઓ જાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.
મુખ્યમંત્રીએ કહ્યું કે આપત્તિના આ સમયમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટેની જરૂરી વ્યવસ્થાઓ રાજ્ય સરકારના માર્ગદર્શન માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ભારે વરસાદ અસરગ્રસ્ત સુઈગામ પહોંચીને વરસાદી વિસ્તારોના લોકો સાથે વાતચીત કરીને નુકસાનની જાત માહિતી મેળવી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા બચાવ રાહત કામગીરી અંગે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રી સૂઇગામ સી.એચ.સી.ના આશ્રયસ્થાનમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને પણ મળ્યા હતા અને આશ્રય સ્થાનની જરૂરી સુવિધાઓ અંગે વિગતો મેળવી હતી. ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે આ અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત માં સાથે જોડાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ ગુરુવારે મોડી સાંજે થરાદના નાગલા ગામે પહોંચ્યા હતા.અહીં તેમણે ગામના લોકો સાથે સંવાદ કરીને દર વર્ષે વરસાદના કારણે પાણીના કાયમી નિકાલ માટે શું કરી શકાય તે બાબતે સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત તથા જિલ્લા પદાધિકારીઓ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
