Gandhinagar Child Death Open Drainage: વિશ્વકક્ષાની સુવિધાઓ માટે જાણીતા ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ આવેલા રતનપુર ગામની લેબર કોલોનીમાં આજે રમત-રમતમાં એક 5 વર્ષનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ફાયર વિભાગ અને 108ની ટીમે તેને બચાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું! કમનસીબે બાળકનો જીવ બચાવી શકાયો નથી.
મજૂર પરિવારોના બાળકોના જીવની કોઈ કિંમત નથી?
મળતી માહિતી મુજબ, રતનપુર ગામની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની રાજકુમાર રામનો 5 વર્ષનો પુત્ર પ્રિઆંશ 6 જાન્યુઆરીના રોજ ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક ખુલ્લી ગટર (Drainage)માં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ તૂટ્યા
ફાયર જવાનોએ જીવના જોખમે ગટરમાં ઉતરીને પ્રિઆંશને બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાળકને બચાવવા માટે રસ્તામાં જ CPR (કૃત્રિમ શ્વાસોશ્વાસ) આપવાનું શરૂ કર્યું હતું. બાળકને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગિફ્ટ સિટીની હદ હોય કે રતનપુરની, શું સુરક્ષાના નિયમો સરહદ જોઈને બદલાઈ જાય છે?
આ ઘટના અંગે ગિફ્ટ સિટીના ફાયર ઓફિસરે સ્પષ્ટતા કરી હતી કે, જે લેબર કોલોનીમાં આ ઘટના બની છે તે રતનપુર ગામનો વિસ્તાર ગિફ્ટ સિટીની હદમાં આવતો નથી. જોકે, ત્યાં કામ કરતા મજૂરો ગિફ્ટ સિટીના રસ્તેથી અવરજવર કરતા હોવાથી બનાવની જાણ થતા જ ફાયરની ટીમે મદદ માટે પહોંચી હતી. ડભોડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળક ગટર (Drainage)માં કેવી રીતે પડ્યું?
હાલમાં બાળક ગટરમાં કેવી રીતે પડ્યું અને આ બેદરકારી પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરત : અમરોલીમાં બાળક ગટરમાં પડતા મોત નીપજવાના બનાવમાં ગુનો નોંધાયો
આ પણ વાંચો: સુરત : બાળક ગટરમાં પડ્યા બાદ મોત નીપજતા પરિવાર ઉશ્કેરાયો
આ પણ વાંચો: મકરબા રોડ પાસે ટોરેન્ટ પાવર નજીક વૃધ્ધ ગટરમાં પડ્યા
