મજબૂત દુશ્મન/ ભારતને ચારે તરફથી ઘેરવા ચીને બનાવ્યો માસ્ટર પ્લાન; ભૂતાન છે મ્હોરો

ચીન ભારતને ઘેરવા માટે ભૂતાન સાથે પોતાના સંબંધ સુધારી રહ્યું છે

World

ભારત-ચીન સંઘર્ષ: ચીન અને ભૂતાનના સંબંધો ખુબ જ સારા બની રહ્યાં છે. રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા અને સરહદી વિવાદને વહેલી તકે ઉકેલવા માટે વાતચીત થઈ રહી છે.

ભુતાનના વિદેશ મંત્રી તાંદી દોરજી હાલમાં બેઈજિંગમાં છે. ત્યાં તેઓ ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા. આ દરમિયાન બંને વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા અને સરહદી વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા પર સહમતિ બની હતી.

બેઠક બાદ ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે રાજદ્વારી સંબંધોની પુનઃસ્થાપના અને સરહદ વિવાદનો ઉકેલ બંને દેશોના હિતમાં રહેશે.

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં દોર્જીએ ભૂતાનને મજબૂતીથી સમર્થન આપવા બદલ ચીનનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ભૂટાન વન-ચાઈના નીતિનું સમર્થન કરે છે, જેનો અર્થ છે કે તાઈવાન અને તિબેટ ચીનનો ભાગ છે.

ચીન અને ભૂતાન વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. તેમ છતાં બંને વચ્ચે વાતચીત ચાલુ છે. ચીને અત્યાર સુધીમાં તેના 12 પડોશીઓ સાથે સરહદી વિવાદો ઉકેલ્યા છે. ભૂતાન અને ભારત જ એવા દેશો છે જેની સાથે સરહદ વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી.

ભૂતાન સાથે ચીન વધારી રહ્યું છે ‘મિત્રતા’!

તાજેતરના વર્ષોમાં ચીને ભૂતાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા અને સરહદ વિવાદના ઉકેલ માટે વાટાઘાટો કરવાના પ્રયાસો તેજ કર્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં ચીન-ભૂતાન સરહદ વિવાદ પર નિષ્ણાત જૂથની 13મી બેઠક બેઈજિંગમાં યોજાઈ હતી. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલી હતી.

આ વર્ષે માર્ચમાં ભૂટાનના વડાપ્રધાન લોટે છરીંગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ચીન સાથેની એક કે બે બેઠકમાં સરહદી વિવાદ ઉકેલાઈ જવાની આશા છે.

શું છે ભૂતાન અને ચીન વચ્ચે સરહદ વિવાદ?

ચીન અને ભૂતાન વચ્ચે 477 કિલોમીટર લાંબી સરહદ છે. બંને વચ્ચે 80ના દાયકાથી સરહદી વિવાદ ચાલી રહ્યો છે. બંને વચ્ચે હજુ સુધી કોઈ રાજદ્વારી સંબંધો નથી, પરંતુ સરહદ વિવાદના ઉકેલ માટે બે ડઝનથી વધુ વખત વાતચીત થઈ છે.

ચીન અને ભૂતાન વચ્ચે જે બે ક્ષેત્રોને લઈને સૌથી વધુ વિવાદ છે. તેમાંથી 269 ચોરસ કિલોમીટરનું ડોકલામ છે.  બીજો વિસ્તાર ભૂતાનના ઉત્તરમાં 495 ચોરસ કિલોમીટર જેકરલુંગ અને પાસમલુંગ ખીણ વિસ્તાર છે.

તેથી ઓક્ટોબર 2021માં ચીન અને ભૂતાને ‘થ્રી-સ્ટેપ રોડમેપ’ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમજૂતીથી બંને વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદના નિરાકરણ ઝડપથી આવશે.

ચીન શું ઈચ્છે છે?

ચીનની રણનીતિ એવી રહી છે કે તે નાના દેશો સાથે પોતાના દ્વિપક્ષીય સંબંધોને બગાડવા માંગતું નથી. ખાસ કરીને જ્યારે તે દેશ પણ ભારત સાથે સરહદ વહેંચે છે. 1998 સુધી ચીને ભૂતાનને સ્વતંત્ર રાષ્ટ્ર પણ માન્યું નહોતું. તે ભૂતાનને તિબેટની પાંચ આંગળીઓમાંની એક ગણતો હતો. જણાવી દઇએ કે, ચીને તિબેટની ચાર આંગળીઓમાં લદ્દાખ, નેપાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશને રાખ્યા હતા.

વર્ષ 1996માં ચીને ભૂતાન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. ચીને પ્રસ્તાવ મૂક્યો કે જો ભૂતાન તેને 269 ચોરસ કિલોમીટરનું ડોકલામ આપશે તો તે 495 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર પોતાનો દાવો છોડી દેશે.

ભારતના ‘ચિકન નેક’ પર ચીનની નજર!

ભૂતાનના ડોકલામ પર ચીનની નજર છે. ડોકલામ એક ટ્રાઈ જંકશન છે, જે ભારત, ચીન અને ભૂતાનની સરહદ પર છે.

ડોકલામ પહાડી વિસ્તાર છે. ચીન અને ભૂટાન બંને આનો દાવો કરે છે. ડોકલામ પર ભૂતાનના દાવાને ભારત સમર્થન આપે છે. ડોકલામ વાસ્તવમાં ચીન અને ભૂતાન વચ્ચેનો વિવાદ છે. પરંતુ તે સિલિગુડી કોરિડોરની નજીક આવેલ છે, તેથી ભારત પણ તેમાં રસ ધરાવે છે. સિલિગુડી કોરિડોર ભારતના નકશા પર ચિકન નેક જેવો દેખાય છે, તેથી તેને ‘ચિકન નેક’ કહેવામાં આવે છે. આ 22 કિલોમીટર લાંબો કોરિડોર ઉત્તર-પૂર્વ ભારતને બાકીના ભારત સાથે જોડે છે.

જૂન 2017માં જ્યારે ચીને ડોકલામમાં રોડ બનાવવાનું કામ શરૂ કર્યું ત્યારે ભારતીય સેનાએ તેને અટકાવી દીધું હતું. રોડ બનાવવાના વિવાદ બાદ ભારત અને ચીનની સેના 73 દિવસ સુધી આમને-સામને રહી હતી. આ દરમિયાન કોઈ હિંસા થઈ ન હતી, પરંતુ તણાવ ઘણો વધી ગયો હતો.

ભારતને ચિંતા છે કે જો ડોકલામમાં રોડ બનાવવામાં આવશે તો તે સુરક્ષા સમીકરણ બદલાઇ શકે છે. જો ભવિષ્યમાં સંઘર્ષની સ્થિતિ સર્જાય તો ચીન તેનો ઉપયોગ સિલીગુડી કોરિડોર પર કબજો કરવા માટે કરી શકે છે.

ભૂતાનમાં ચીનની ઘૂસણખોરી

2017માં ચીને ડોકલામમાં રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. ભારતે જ તેનો વિરોધ કર્યો હતો. ભારત માને છે કે ડોકલામ ભૂતાનનો નિર્વિવાદ પ્રદેશ છે. જ્યારે ચીન માને છે કે તે ચુમ્બી વેલીનો વિસ્તાર છે જે સિક્કિમ અને ભૂતાનની વચ્ચે સ્થિત છે.

જૂન 2020માં ચીને સકટેંગ અભયારણ્ય પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. તે પૂર્વીય ભૂતાનમાં અને અરુણાચલ પ્રદેશની સરહદ નજીક સ્થિત છે.

એટલું જ નહીં ચીને ભૂટાનની સરહદ પર ઘણા ગામડાઓ પણ બનાવ્યા હોવાના અહેવાલ છે. જો કે, આ વર્ષે માર્ચમાં એક ફ્રેન્ચ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ભૂતાનના વડા પ્રધાન લોટે છ્રીંગે કહ્યું હતું કે ચીન દ્વારા બાંધવામાં આવેલા ગામો ભૂતાનની સરહદની અંદર નથી.

ભારત માટે ચિંતાનો વિષય કેમ છે?

ડોકલામ પર ચીનની નજર છે. તે કોઈપણ રીતે ડોકલામ પર કબજો કરવા માંગે છે. જો આવું થાય છે, તો તે ભારત માટે એક મોટો ફટકો હશે, કારણ કે આનાથી ચીનની સેનાને ભારતના સિલીગુડી કોરિડોર સુધી પહોંચવાની તક મળશે.

બીજી ચિંતાનો વિષય એ છે કે તાજેતરના વર્ષોમાં ભૂતાનની ચીન સાથેની નિકટતા ઘણી વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે સરહદ વિવાદ ઉકેલવા માટે ચીન ભૂતાન પર દબાણ લાવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.

ભૂતાનના PMએ માર્ચમાં એક ઈન્ટરવ્યુમાં ડોકલામ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ડોકલામ એ ભારત, ચીન અને ભૂતાન વચ્ચેનો ત્રિ-કોણીય જંક્શન છે. આ મુદ્દો માત્ર ભૂતાનનો જ નથી. તેની સાથે ત્રણ દેશો જોડાયેલા છે. કોઈ મોટો કે નાનો દેશ નથી. ત્રણેય સમાન છે.

ભૂતાન પણ હવે ચીન સાથેના સરહદી વિવાદને વહેલી તકે ઉકેલવા માંગે છે. ભૂતાનના PMએ માર્ચમાં કહ્યું હતું કે ‘એક કે બે બેઠકમાં સીમાઓ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.’

ભારતને ચિંતા છે કે જો ચીન અને ભૂતાન વચ્ચે સરહદ વિવાદ પર કોઈ સમજૂતી થાય છે તો ડોકલામ પર ચીનનો સંપૂર્ણ નિયંત્રણ હોઈ શકે છે.

ભારત હવે શું કરી શકે?

ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો હંમેશા ગાઢ રહ્યા છે. ભૂતાન તેની મોટાભાગની જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર છે. ભૂટાનની 75% આયાત અને 95% નિકાસ ભારતમાંથી થાય છે.

આટલું જ નહીં ભારતીય સૈનિકો ભૂટાનના સૈનિકોને તાલીમ પણ આપે છે. આ ઉપરાંત ભૂતાન એકલા ચીન સાથે કોઈ કરાર કરી શકે નહીં. તેનું કારણ ભારત સાથેનો કરાર છે.

વાસ્તવમાં ભારત અને ભૂતાન વચ્ચે 8 ઓગસ્ટ 1949ના રોજ એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. કરાર હેઠળ ભૂતાન સંરક્ષણ અને વિદેશી બાબતો માટે ભારત પર નિર્ભર છે.

વર્ષ 2007માં ફરી એક કરાર થયો હતો. તેણે 1949ના કરારનું સ્થાન લીધું. આમાં ભૂતાનને સંરક્ષણ અને વિદેશ સંબંધિત બાબતોમાં નિર્ણય લેવામાં થોડી સ્વતંત્રતા આપવામાં આવી હતી. પરંતુ ભૂતાન હજુ પણ ભારતના સમર્થન વિના એકલા નિર્ણય લઈ શકે તેમ નથી.

નિષ્ણાતોનું માનવું છે કે જો ડોકલામ પર પોતાનો દાવો ચાલુ રાખવા માટે ભૂતાન પર ભારતનું દબાણ ન હોત તો ચીન અને ભૂતાન વચ્ચેનો આ વિવાદ અત્યાર સુધીમાં ઉકેલાઈ ગયો હોત.

તેમ છતાં જો ચીન અને ભૂતાન વચ્ચેનો સરહદી વિવાદ ઉકેલાય અને કોઈ સમજૂતી થાય તો તેની સીધી અસર ભારત પર પડશે.

આ પણ વાંચો- ફોક્સકોને ભારતમાં વધાર્યો વ્યાપાર તો ચીનને લાગ્યા મરચા; કર્યું ન કરવાનું કામ

આ પણ વાંચો- ચીનમાં રાજકિય ઉથલપાથલ, લાપતા સંરક્ષણ મંત્રીને કર્યા બરતરફ

આ પણ વાંચો- સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવા બાબતે CJI ચંદ્રચૂડે સંસદનો કર્યો ઉલ્લેખ