Gujarat News/ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં પૂર જેવી સ્થિતિ. CM ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી NDRF-SDRFની વધુ ટીમો તૈનાત કરવાનો આપ્યો આદેશ. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યને તમામ મદદની આપી ખાતરી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
CM

Gujarat News: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમરગામમાં છેલ્લા 28 કલાકમાં 43 ઇંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહાયની ખાતરી આપી છે.

CM ભૂપેન્દ્ર પટેલે કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સુરત, વલસાડ (Valsad), નવસારી અને તાપી (Tapi)જિલ્લાના કલેક્ટરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, સ્થળાંતર, રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને સ્થળાંતરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. સાથે જ વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા અને આવશ્યક સેવાઓ સતત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

 કેન્દ્ર સરકારે આપી મદદની ખાતરી

રાજ્યમાં સર્જાયેલી ગંભીર સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ રાજ્ય સરકાર પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવી અને રાહત, બચાવ, સ્થળાંતર તથા અન્ય જરૂરી કામગીરીમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહકાર અને મદદની ખાતરી આપી હતી.

NDRF-SDRFની વધુ ટીમો તૈનાત, એરફોર્સ અને કોસ્ટગાર્ડ પણ એલર્ટ

મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ NDRF અને SDRF ટીમો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. હાલ સુરતમાં 3 NDRF અને 5 SDRF ટીમો, વલસાડમાં 2 NDRF અને 4 SDRF ટીમો તેમજ નવસારીમાં SDRFની ટીમો કાર્યરત છે. વલસાડ માટે વધારાની NDRF અને SDRF ટીમો ઉપરાંત આર્મીના 70 જવાનો, પાંચ બોટ અને ફાયર વિભાગની વિશેષ ટીમ પણ મોકલવામાં આવી રહી છે. જરૂર પડે તો એરફોર્સ અને કોસ્ટગાર્ડ દ્વારા એરલિફ્ટ માટે પણ તૈયારીઓ રાખવામાં આવી છે, જોકે હાલની હવામાન પરિસ્થિતિને કારણે ઉડાન શક્ય નથી.

અત્યાર સુધીમાં હજારો લોકોનું સ્થળાંતર

રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના જણાવ્યા મુજબ વરસાદ શરૂ થતાં જ તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી અંદાજે 1,200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાંથી લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના પૂરના કારણે 11 ગામોમાં ફસાયેલા 200થી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. હાલમાં કોઈ વિસ્તાર એવો નથી જ્યાં લોકો ગંભીર રીતે ફસાયેલા હોવાની માહિતી મળી હોય.

વીજળી અને આરોગ્ય સેવાઓને લઈ એલર્ટ રહેવા માટે સુચના

ભારે વરસાદ (Heavy Rain)ના કારણે પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ અસ્થાયી રીતે બંધ થયા છે અને એસટીની 200થી વધુ ટ્રિપ્સ રદ કરાઈ છે. માર્ગ-મકાન વિભાગે પાણી ઓસરતાની સાથે જ રસ્તાઓ પૂર્વવત કરવા માટે 3,400થી વધુ ડમ્પર, 1,100થી વધુ JCB અને જરૂરી મશીનરી તૈયાર રાખી છે. મુખ્યમંત્રીએ પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સફાઈ, દવાઓનો પૂરતો જથ્થો, પીવાનું શુદ્ધ પાણી અને સ્થળાંતરિત લોકોને ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે. રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી, સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ IAS અધિકારીઓને પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલી વહીવટી કામગીરીનું સીધું માર્ગદર્શન આપવા નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો:સુરતમાં ભારે વરસાદ વચ્ચે NDRF-SDRF એલર્ટ: આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા 5 બચાવ ટીમો તૈનાત

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘતાંડવ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરગામમાં 42 ઇંચ વરસાદ; NDRF, SDRF અને આર્મી મેદાને

આ પણ વાંચો:ભારે વરસાદની આગાહીને પગલે VMC એલર્ટ, મેયર સહિતના હોદ્દેદારોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત