Surat News : રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગ્રુપ આરપીએફ બોરીવલીની ટીમે 25 જાન્યુઆરીની રાત્રે અમૃતસર–મુંબઈ ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસમાં ડ્રગ્સ હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન મિઝોરમના એક યુવક પાસેથી કુલ રૂ. 2.19 કરોડથી વધુ કિંમતનું કોકેઈન, (cocaine) મેથામ્ફેટામાઇન અને અન્ય નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
બેગમાંથી cocaine, યાબા ગોળીઓ અને કોડીન સિરપ મળી
બોરીવલી રેલવે સ્ટેશન પર કોચ નંબર B-4માંથી 32 વર્ષીય આરોપી લાલફકમાવિયા (રહે. હનાથિયાલ, લુંગલેઈ, મિઝોરમ)ને બેકપેક અને ટ્રોલી બેગ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 436 ગ્રામ કોકેઈન (cocaine) (અંદાજિત કિંમત રૂ. 2.18 કરોડ), 19 ગ્રામ યાબા ગોળીઓ (મેથામ્ફેટામાઇન) (રૂ. 1.50 લાખ), 649 ગ્રામ કોડીન કફ સિરપ (5 બોટલ) (રૂ. 7,500), 8 ગ્રામ અલ્પાઝોલમ ગોળીઓ (રૂ. 3,200)જપ્ત કરવામાં આવી, જેની કુલ કિંમત રૂ. 2.19 કરોડ થાય છે.
Cocaine સાથે પકડાયેલી નાઈજિરિયન મહિલા સાથે સીધી કડી
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે દિલ્હીમાં તેની બહેન અને બનેવી સાથે રહે છે. તેની બહેનની એક નાઈજિરિયન મહિલા મિત્રએ તેને કૂતરાના ખોરાકના પેકેજિંગમાં લપેટેલું પેકેટ આપી મુંબઈ પહોંચાડવા જણાવ્યું હતું. આ બદલામાં તેને રૂ. 3,000 તથા મુસાફરી ખર્ચ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. મુંબઈ પહોંચ્યા બાદ એક અજાણ્યો વ્યક્તિ તેનો સંપર્ક કરવાનો હતો.
એનસીબીની કાર્યવાહી, આરોપી બેંગલુરુ રવાના
એનસીબીએ આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બોરીવલીના સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા બાદ આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગલુરુ લઈ જવામાં આવ્યો છે.
24 જાન્યુઆરીએ પણ નાઈજિરિયન મહિલાથી 2.30 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરત યુનિટે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી નાઈજિરિયન મહિલાની ધરપકડ કરી હતી. તેની પાસેથી 50 ગ્રામ કોકેઈન (cocaine) અને 900 ગ્રામ મેથામ્ફેટામાઇન મળી કુલ રૂ. 2.30 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા
અધિકારીઓના જણાવ્યા મુજબ આ મામલો માત્ર વ્યક્તિગત નથી, પરંતુ તેની પાછળ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક કાર્યરત હોવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને મેથામ્ફેટામાઇન અત્યંત ઘાતક નશાકારક પદાર્થ હોવાથી સુરક્ષા એજન્સીઓએ રેલવે માર્ગે થતી ડ્રગ્સ હેરાફેરી સામે દેખરેખ વધુ કડક કરી છે.
