Junagadh Sukhram Das Bapu Threat Case: સાધુ-સંતોને નિશાન બનાવી બ્લેકમેલિંગ કરવાનું વધુ એક ષડયંત્ર જૂનાગઢમાં સામે આવ્યું છે. જૂનાગઢની ખાખી મઢીના મહંત અને મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવતા સનાતન ધર્મ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે, બાપુએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને દબોચી લીધો છે.
Junagadh : શું છે સમગ્ર મામલો?
મહંત સુખરામ દાસ બાપુએ એક વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, ગત 16 જાન્યુઆરીના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે બાપુએ પોતાના પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી છે. આ મુદ્દે ખોટી એટ્રોસિટીની ફરિયાદ ન કરવી હોય તો સમાધાન પેટે મોટી રકમ (ખંડણી) આપવી પડશે તેવી ધમકી આપવામાં આવી હતી.
સંતની સાવચેતી: બ્લેકમેલરો સામે લાલ આંખ
ધમકી મળ્યા બાદ બાપુ ડર્યા વગર તંત્રની શરણમાં પહોંચ્યા હતા. તેમણે આ મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ડીવાયએસપી (DySP) ને લેખિત રજૂઆત કરી હતી. બાપુએ સ્પષ્ટ કર્યું કે, “હું ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન આપતો નથી. કેટલાક લોકો સંતો-મહંતોને બ્લેકમેલ કરી બદનામ કરવાની કોશિશ કરે છે, તેમની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.”
આરોપી જેલના સળિયા પાછળ
બાપુની ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીના દિવસોમાં જ પોલીસે ધમકી આપનાર આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહીથી જૂનાગઢના સંત સમાજમાં સંતોષની લાગણી ફેલાઈ છે.
