Surat News/ સુરત રેલવે સ્ટેશન પર DRIનું મેગા ઓપરેશન,1 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ

સુરત રેલવે સ્ટેશન પર DRI એ 1 કરોડના કોકેઈન અને મેથામ્ફેટામાઈન સાથે નાઈજીરિયન મહિલાની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય Drugs રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા.

Gujarat Top Stories Surat
Drugs

Surat Drugs Seizure Nigerian Woman: ગુજરાતના આર્થિક પાટનગર સુરત ફરી એકવાર ડ્રગ્સ તસ્કરીનું એપીસેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત રેલવે સ્ટેશન પર એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 1 કરોડ રૂપિયાથી વધુના ડ્રગ્સ સાથે એક નાઈજીરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી અમૃતસર જતી ટ્રેનમાં વિદેશી મહિલા ડ્રગ્સની હેરાફેરી કરતી ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં DRI નો સપાટો

DRI ના અધિકારીઓને બાતમી મળી હતી કે, મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ટ્રેન સંખ્યા 12904, ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ ચોક્કસ માહિતીના આધારે, DRI ટીમે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ કોચ H-1 ની સીટ નંબર A-2 પર તપાસ શરૂ કરી. અહીં મુસાફરી કરી રહેલી નાઈજીરિયન મૂળની મહિલા, અગ્ફેડો ઓસાટાહેમવેન જોયની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેની બેગની તલાશી લેવામાં આવતા ચોંકાવનારો જથ્થો મળી આવ્યો.

1 કરોડથી વધુની કિંમતનું Drugs જપ્ત

મહિલાની બેગની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તપાસ દરમિયાન 10 લાખની કિંમતનું 50 ગ્રામ કોકેઈન અને અંદાજે 90 લાખની કિંમતનું 950 ગ્રામ મેથામ્ફેટામાઈન મળી આવ્યું હતું. આમ, DRI દ્વારા કુલ મળીને અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

Drugs

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો ખુલાસો?

DRI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો માત્ર એક નાઈજીરિયન મહિલા પૂરતો સીમિત નથી. આ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સક્રિય હોવાની પ્રબળ શક્યતા છે. DRI નો અંદાજ છે કે આ નશીલા પદાર્થોનો જથ્થો દેશના વિવિધ મોટા શહેરોમાં સપ્લાય કરવાનો હતો. હાલમાં ધરપકડ કરાયેલી નાઈજીરિયન મહિલાની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. DRI ના અધિકારીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સ્થાનિક અને વિદેશી પેડલરોની માહિતી મેળવવા માટે સઘન તપાસ કરી રહ્યા છે.

રેલવે સુરક્ષા પર સવાલો

એસી ફર્સ્ટ ક્લાસ જેવા પ્રીમિયમ કોચમાં વિદેશી નાગરિક દ્વારા આટલા મોટા પાયે ડ્રગ્સની તસ્કરી થતા રેલવે સ્ટેશનો પરની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત સહિતના મુખ્ય રેલવે જંકશનો પર હવે બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ તપાસના તાર વધુ ઊંડા ઉતરે તેવી સંભાવના છે.


આ પણ વાંચો: ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી! ગુજરાત પોલીસે જાહેર કર્યો સ્પેશિયલ WhatsApp નંબર

આ પણ વાંચો: Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું

આ પણ વાંચો: અમદાવાદમાં 31st પૂર્વે પોલીસના નાક નીચે જ ડ્રગ્સ અને રૂપલલનાઓ બિન્દાસ્ત!