Gujarat Weather: હવામાન વિભાગે (IMD) 6 જૂન સુધી વરસાદ (Rain)ની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ (Light Rain) થવાની સંભાવના છે.
આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, દાદરા નગર હવેલી અને નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ (IMD)ના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં રચાયેલી સિસ્ટમને કારણે 15 જૂન પહેલા વરસાદનું આગમન થવાનું હતું, પરંતુ હવે દક્ષિણ ભારતમાં તેની ગતિ ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ સક્રિય ચક્રવાતી પરિભ્રમણ સિસ્ટમ ધીમી પડી જવાને કારણે દક્ષિણ ભારત તરફ વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે. આને કારણે, ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન, જે સમય પહેલા થવાનું હતું, તે હવે સમયસર થવાની સંભાવના છે.
વરસાદની તીવ્રતા ધીમી રહેશે, જોકે 15 જૂન પછી વરસાદનું જોર વધશે. આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષ કરતા વધુ છે, જેના કારણે સારા ચોમાસાની આશા જાગી છે. જૂન મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે. ચોમાસું જૂનમાં શરૂ થાય છે અને સામાન્ય રીતે અડધા મહિના પછી વધુ વરસાદ પડે છે, તેથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો હોય છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં! પ્રજાને ઠંડકનો હાશકારો
આ પણ વાંચો:ચોમાસાનું આગમન 15 જૂન પહેલાં જ થશે, આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતા
આ પણ વાંચો:વરસાદ આ વર્ષે વહેલો નહીં આવે! 24 કલાકમાં ભારે વર્ષાનું એલર્ટ
