Sports News : ગ્લાસગોમાં ચાલી રહેલી Commonwealth Games 2026માં ભારતે શુક્રવારે માત્ર 15 મિનિટના અંતરમાં બે ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. જુડોમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહ (Harsh Singh)ની ગોલ્ડન જીતના કારણે ભારતની મેડલ સંખ્યા વધીને 19 પર પહોંચી છે. ભારત હવે 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે મેડલ ટેલી (India Medal Tally)માં નવમા સ્થાને પહોંચી ગયું છે.
Commonwealth Games 2026માં ભારત હવે 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે મેડલ ટેલી (India Medal Tally)માં નવમા સ્થાને

અસ્મિતા ડેએ શાનદાર વાપસી કરીને ગોલ્ડ જીત્યો
વુમન્સ 48 કિલોગ્રામ જુડો સ્પર્ધાની ફાઇનલમાં ભારતની અસ્મિતા ડે (Asmita Dey)એ કેનેડાની હેઇડી ક્વાચને 2-1થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. મેચની શરૂઆતમાં અસ્મિતાએ એક પોઇન્ટ ગુમાવ્યો હતો અને પેનલ્ટી પણ મળી હતી, પરંતુ તેમણે જબરદસ્ત વાપસી કરીને સ્કોર બરાબર કર્યો અને અંતે મેચ પોતાના નામે કરી.
હર્ષ સિંહે ઓસ્ટ્રેલિયાને 10-0થી હરાવ્યો
અસ્મિતાની જીત બાદ માત્ર 15 મિનિટમાં હર્ષ સિંહે મેન્સ 60 કિલોગ્રામ જુડો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને એકતરફી 10-0થી હરાવી ભારતને દિવસનો બીજો ગોલ્ડ અપાવ્યો.
બોક્સિંગમાં પાંચ ખેલાડીઓએ ફાઇનલમાં જગ્યા બનાવી
ભારત માટે બોક્સિંગમાંથી પણ સારા સમાચાર આવ્યા છે. જાદુમણિ સિંહ, પ્રીતિ પવાર, જેસ્મિન લમ્બોરિયા, અરુંધતિ ચૌધરી અને અંકુશ પંઘાલ ફાઇનલમાં પહોંચ્યા છે. આ સાથે પાંચેય ખેલાડીઓએ ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે અને હવે ગોલ્ડ જીતવાની તક રહેશે.
નીરજ ચોપરા સામે અરશદ નદીમની હાઇવોલ્ટેજ ટક્કર
ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra)નો ગોલ્ડ મેડલ મુકાબલો પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ સામે રમાશે. બંને વચ્ચે અત્યાર સુધી 11 આંતરરાષ્ટ્રીય મુકાબલા થયા છે, જેમાં 10 વખત નીરજ વિજેતા રહ્યા છે. અરશદને માત્ર પેરિસ ઓલિમ્પિક 2024માં જીત મળી હતી.
નીરજ 90 મીટરથી વધુનો થ્રો કરનાર ભારતના પ્રથમ અને એકમાત્ર એથ્લીટ છે. તેમણે 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો નેશનલ રેકોર્ડ નોંધાવ્યો હતો.
લૉન બૉલ્સમાં ભારતની સતત ચોથી જીત
લૉન બૉલ્સની મેન્સ પેર સ્પર્ધામાં દિનેશ કુમાર અને નવનીત સિંહની જોડીએ ફોકલેન્ડ આઇલેન્ડ્સને 2-0થી હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની દોડમાં મજબૂત સ્થિતિમાં છે.
ભારતના ખેલાડીઓના આ પ્રદર્શનથી કોમનવેલ્થ ગેમ્સમાં વધુ ગોલ્ડ મેડલની આશા વધી છે અને દેશની નજર હવે નીરજ ચોપરાના ગોલ્ડન થ્રો પર ટકેલી છે.
આ પણ વાંચો: ગ્લાસગો ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મચાવશે ધૂમ; બોક્સિંગ અને 7 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, જુઓ પૂરૂં શેડ્યૂલ
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ
આ પણ વાંચો: CWG 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો વધુ એક સિલ્વર, વેઇટલિફ્ટિંગમાં કુલ 199 કિગ્રા વજન ઉપાડ્યું
