Surat News : સુરતના ઘોડદોડ રોડ પર લેબગ્રોન ડાયમંડનો શો-રૂમ ધરાવતા સોનાણી પિતા-પુત્ર સામે કુલ રૂ. 49.96 કરોડની ઠગાઈની ગંભીર ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે. આ ફરિયાદ અશ્વિનીકુમાર રોડ પર રહેતા વેપારી અંકુશભાઈ મધુભાઈ નાકરાણીએ નોંધાવી છે. આ કેસમાં સીઆઈડી દ્વારા આરોપીઓ પૈકીના એક જયમ સોનાણીને એરપોર્ટ પરથી પકડ્યા બાદ તેની સાથે શું કાયદાકીય કાર્યવાહી કરાઈ એ અંગે કોઈપણ અધિકારીઓ જવાબ આપતા નથી. એની પાછળ કદાચ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો એક વીડિયો છે. એમાં અધિકારીઓ આરોપીને એરપોર્ટ અંદરથી લઇને નીકળી તો રહ્યા છે, પરંતુ ત્યાર પછી આરોપી ક્યાં છે એ અંગે કોઈ સત્તાવાર કહેવા કોઈ અધિકારી તૈયાર નથી.
સુરતના 49.96 કરોડની ઠગાઈના કેસમાં ગુજરાત CID શંકાના ઘેરામાં આવી, કેમ કે ઠગાઈના આરોપીને એરપોર્ટ પરથી ઝડપીને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મોટો હોબાળો થયો છે અને CID દ્વારા આરોપીની ખરેખર ધરપકડ કરવામાં આવી હતી કે માત્ર પૂછપરછ એ અંગેનું રહસ્ય અકબંધ છે. વીડિયો સામે આવ્યા બાદ CID અધિકારીઓનાં મોં સિવાઈ ગયાં છે.
સુરતમાં અશ્વિનીકુમાર રોડના અનુભવી હીરા વેપારી અંકુશભાઈ મધુભાઈ નાકરાણીને સિટીલાઈટના સોનાણી પરિવારની ત્રિપુટીએ કુલ 49.95 કરોડનો ચૂનો ચોપડ્યો છે. આ ઠગાઈના મૂળમાં રફ હીરાના વેપાર અને CVD મશીન આધારિત હીરા ઉત્પાદન ટેક્નોલોજીની લાલચ હતી. વર્ષ 2021માં અંકુશભાઈનો સંપર્ક ડાયમ ટેક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો મહેશભાઈ ભગવાનભાઈ સોનાણી અને તેમના પુત્રો જયમ અને અગસ્ત્ય સાથે થયો હતો.
જયમ સોનાણીએ અંકુશભાઈને વિશ્વાસ અપાવ્યો કે તેમની પાસે એક એવી અદ્યતન ટેક્નોલોજી છે, જેનાથી તેઓ પ્રતિ સિસ્ટમ પ્રતિ માસ 1500 કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરી શકે છે. આ લાલચમાં આવીને અંકુશભાઈએ કુલ 16 સિસ્ટમ શરૂ કરવા માટે 26.60 કરોડનું રોકાણ કર્યું હતું. આ કરાર મુજબ 90 દિવસમાં ઉત્પાદિત હીરા અને પેમેન્ટ પરત કરવાનું હતું.
આ રોકાણ ઉપરાંત સોનાણી પિતા-પુત્રોએ વધુ એક ચાલબાજી કરીને અંકુશભાઈની કંપનીના રફ હીરા અમેરિકાની સિગ્નેટ નામની કંપનીને વેચવાની ડીલ પણ પોતે સંભાળી લીધી હતી. આ વ્યવહારમાં કુલ 23.35 કરોડના હીરાનું વેચાણ થયું હતું, જેનું પેમેન્ટ પણ અંકુશભાઈને આપવામાં આવ્યું નહોતું. આમ, રોકાણ પેટેના 26.60 કરોડ અને વેચાણના 23.35 કરોડ મળીને કુલ 49.95 કરોડની ઉચાપત થઈ.
જ્યારે અંકુશભાઈએ ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપીઓએ પૈસા પરત કરવાની ના પાડી અને ધમકી આપી હતી. આખરે અંકુશભાઈએ CID ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઈમે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપી જયમ સોનાણીનું લોકેશન સુરત એરપોર્ટ પર ટ્રેસ થતાં સીઆઈડીની ટીમે તેને બહાર જાય એ પહેલાં દબોચી લીધો હતો અને સરકારી બોલેરો ગાડી નંબર જીજે 18 જીસી 670)માં બેસાડીને અઠવાગેટ સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આવેલી સુરત સીઆઈડી ક્રાઈમની ઓફિસે લઈ ગઈ હતી.
આ કાર્યવાહી દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે સીઆઈડીના પોલીસકર્મીઓ આરોપીને એરપોર્ટની અંદરથી બહાર લાવી બોલેરોમાં બેસાડી રહ્યા છે. આ દૃશ્યો આરોપીની અટકાયત થયાની પુષ્ટિ કરે છે.
બહુમાળી સ્થિત સીઆઈડી ઓફિસમાં પૂછપરછ શરૂ થયા બાદ આ સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક ફોર્ચ્યુનર ગાડીમાં બે લોકો બહુમાળી પહોંચ્યા હતા. તેમણે કેસ સાથે સંકળાયેલા ઇન્સ્પેક્ટરને ઓફિસમાંથી નીચે બોલાવ્યા હતા અને તેમની સાથે આશરે સવા કલાક સુધી મિટિંગ કરી હતી. આ મિટિંગ પૂરી થયા બાદ, જે આરોપીને સરકારી ગાડીમાં પકડીને લાવવામાં આવ્યો હતો. તે જયમ સોનાણીને અચાનક ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડીને ‘વિદાય’ આપી દેવામાં આવી હતી. એવી વાત હાલ સીઆઇડી ક્રાઇમમાં ચર્ચાઈ રહી છે, જોકે ચર્ચામાં વાસ્તવિકતા કેટલી એ અંગે અધિકારીઓ પણ અધિકારીક જાણ કરતા નથી.
આ ગંભીર કેસમાં આરોપીની ધરપકડ થઈ છે કે અટકાયત, એ અંગે સીઆઈડી ક્રાઈમ દ્વારા ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.જોઇન્ટ કમિશનર અજય ચૌધરીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે હાલ હું મિટિંગમાં છું અને મને વધારે કેસની જાણકારી નથી. તમે કેસની જાણકારી મને મેસેજ થકી મોકલી આપો, હું કેસમાં શું છે એની વિગત મેળવી લઉં. સીઆઈડીના નાના અધિકારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના આ મૌન અને ઉડાવ જવાબો સ્પષ્ટપણે સૂચવે છે કે 49.96 કરોડની આ ઠગાઈમાં વગદારોનું ભારે દબાણ છે, જેના કારણે સીઆઈડીની કાર્યવાહી અચાનક થંભી ગઈ છે.
આ પણ વાંચો:થરાદ તાલુકાના ખેગરપુરા ગામ પાસે દુ:ખદ ઘટના સર્જાઈ, ટ્રકે પલટી ખાતા 4 મજૂરો મોત
આ પણ વાંચો:ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાન પરથી પટકાતા મજૂરનું મોત
આ પણ વાંચો:દશેરાએ કડીમાં જમીન ધસી પડતા 9 મજૂરના મોત, એક શ્રમિકને બચાવાયો, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
