સુરેન્દ્રનગર/ કચ્છના નાના રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવામાં આવશે

રણની જમીનમાંથી નીકળેલા પાણીમાંથી મીઠું પાકી ગયા બાદ વધારાનું વેસ્ટ પાણી બીજા ક્યારામાં નાખી તેને પૂરતું સૂકવી નખાશે.

Gujarat
Untitled 49 કચ્છના નાના રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવામાં આવશે

દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું ગુજરાતમાં પાકે છે. હવે ખારાઘોઢા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાની પરિકલ્પના સાકાર થશે. આગામી દિવસોમાં ભારત સરકારના નેશનલ ફર્ટીલાઇઝર લિ. દ્વારા ખારાઘોઢામાં કરોડો રૂ.ના ખર્ચે એમઓપી ખાતર યુનિટ શરૂ કરશે. જે અંતર્ગત ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને પ્રારંભિક ધોરણે ખારાઘોઢા રણમાં પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર પણ આપી દેવાયો છે.

થોડા સમય અગાઉ દિલ્હી પાસે આવેલા નોઇડા ખાતે આવેલા ભારત સરકારના નેશનલ ફર્ટીલાઇઝર લિમીટેડના ડાયરેક્ટર કોહલી અને ઇજનેરોની ટીમેં ખારાઘોઢા રણની મુલાકાત લઇ પડાવ નાખ્યોં હતો. અને ખારાઘોઢા રણમાં જમીનમાંથી નીકળતા ડીગ્રીવાળા પાણીમાંથી બનતા મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશ ઉત્પન્ન કરી એમાંથી એમઓપી ખાતર બનાવવાની શક્યતા તપાસતા એમાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

આ અંગે નેશનલ ફર્ટીલાઇઝર લિ.ના મેનેજર કે.એસ.દહીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ખારોઘોઢા રણમાં મીઠાના વેસ્ટેજ પાણીમાંથી એમઓપી ખાતર બનાવવાની શક્યતા ઉજળી છે. જ્યારે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટીસ્ટ એમ.આર.ગાંધીના જણાવ્યાનુસાર હાલમાં તો પ્રારંભિક ધોરણે ઓર્ડર મળ્યો છે. જ્યારે આ અંગે ખારાઘોઢા સોલ્ટ એશોશિયેશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઇ રબારીએ જણાવ્યું કે, ખારાઘોઢા રણમાં ભાવનગર સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્બારા મીઠાના બે પાટામાં મીક્સ સોલ્ટમાંથી પોટાશ જુદુ પાડવાની પ્રારંભિક પ્રક્રિયા હાથ ધરાશે.

રણની જમીનમાંથી નીકળેલા પાણીમાંથી મીઠું પાકી ગયા બાદ વધારાનું વેસ્ટ પાણી બીજા ક્યારામાં નાખી તેને પૂરતું સૂકવી નખાશે. ત્યારબાદ હીટ આપવાની સાથે વિવિધ પ્રોસેસમાંથી પસાર થયા બાદ એમાંથી પોટાશ બનાવવામાં આવશે. જે એમઓપી ખાતર બનાવવા માટે ખુબ ઉપયોગી છે.