બેઠક/ અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથોનો અડ્ડો સુરક્ષા માટે ચિંતાઃરાજનાથ સિંહ

અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશને ધમકી આપવા, હુમલો કરવા, આતંકવાદીઓને આશ્રય આપવા, તાલીમ આપવા અથવા નાણાં પૂરા પાડવા માટે ન કરવો જોઈએ

Top Stories
rajnath અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથોનો અડ્ડો સુરક્ષા માટે ચિંતાઃરાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ પીટર ડટનને કહ્યું કે તાલિબાનનો ઉદય ભારત અને આ ક્ષેત્ર માટે ગંભીર સુરક્ષા ચિંતાઓ  ઉભી કરે છે. જેનું મુખ્ય કારણ અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથોનો અડ્ડો છે, તેઓ તેમની પ્રવૃત્તિઓ વધારવા માટે વધુ ટેકો  મેળવી શકે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે  રાજનાથ સિંહે  વાતચીત દરમિયાન એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના ક્ષેત્રનો ઉપયોગ અન્ય કોઈ દેશને ધમકી આપવા અથવા હુમલો કરવા માટે ન કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ઠરાવ 2593 ના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે શક્ય હોય એટલા તમામ પ્રયત્ન કરવા જોઈએ. વધુમાં સૂત્રોએ જણાવ્યું કે ભારતીય પ્રતિનિધિમંડળે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સત્તા કબજે કર્યા બાદ જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર સંભવિત અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે કારણ કે અફઘાનિસ્તાનથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવાની સંભાવના છે. ડટન સાથેની વાતચીતમાં સિંહે તાલિબાન હેઠળ મહિલાઓ, બાળકો અને અલ્પસંખ્યક સમુદાયોના અધિકારોના ઉલ્લંઘન અને દમન અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી.

અફઘાન કટોકટીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને બંને પક્ષોના મંતવ્યોમાં સમાનતા હતી. સિંહે 30 ઓગસ્ટના રોજ ભારતની અધ્યક્ષતામાં અપનાવેલા યુએનએસસી ઠરાવને અમલમાં મૂકવાની જરૂરિયાત અંગે પણ ભારપૂર્વક વાત કરી હતી. ઠરાવમાં માગણી કરવામાં આવી હતી કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશને ધમકી આપવા, હુમલો કરવા, આતંકવાદીઓને આશ્રય આપવા, તાલીમ આપવા ,આતંકવાદી હુમલાની યોજના અથવા નાણાં પૂરા પાડવા માટે ન કરવો જોઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ સરહદ વિવાદનો પણ ટૂંકમાં મંત્રણામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભારતીય પક્ષે જણાવ્યુ હતું કે નવી દિલ્હી વાતચીત દ્વારા સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. મીડિયાને જારી કરાયેલા નિવેદનમાં સિંહે ચર્ચાઓને “અર્થપૂર્ણ અને વ્યાપક” ગણાવી હતી અને કહ્યું હતું કે ચર્ચામાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ પ્રાદેશિક મુદ્દાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “અમે બંને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવા માટે સંયુક્ત રીતે કામ કરવા માટે આતુર છીએ.  આજે અમારી ચર્ચા અમારા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને લશ્કરી ભાગીદારીને વિસ્તૃત કરવા, સંરક્ષણ માહિતીની વહેંચણી વધારવા, ઉભરતી સંરક્ષણ તકનીકીઓમાં સહયોગ અને લોજિસ્ટિક્સમાં પરસ્પર સહાયતા પર કેન્દ્રિત છે.”

તેમણે માલાબાર કવાયતની છેલ્લી બે આવૃત્તિઓમાં ઓસ્ટ્રેલિયાની ભાગીદારીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું, બંને પક્ષો સંમત થયા કે લશ્કરી સાધનોના સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે દ્વિપક્ષીય સહયોગની તકો છે અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની ઉદાર વિદેશી સીધી રોકાણ નીતિઓનો લાભ લેવા ઓસ્ટ્રેલિયન ઉદ્યોગને આમંત્રણ આપ્યું. મંત્રી ડટનને આત્મનિર્ભર ભારત તરફના અમારા તાજેતરના પ્રયાસો અને ભારતમાં વધતી નવીન ઇકોસિસ્ટમ વિશે જાણ કરી. અમે સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સાથે કામ કરવાની તકો અંગે ચર્ચા કરી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ અને લશ્કરી સહયોગ વર્ષોથી વધ્યો છે. ગયા વર્ષે જૂનમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં તેમના સંબંધો વધાર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન વચ્ચે  સમિટ દરમિયાન લોજિસ્ટિક લશ્કરી મથકો પર પરસ્પર પહોંચ માટે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.