ગુજરાત/ જામનગરમાં કોઈપણ ધારાધોરણ કે મંજૂરી વગર પુલ બનાવવાનું કામ શરૂઃ લોકો ચોંક્યા

જામનગરના લાલપુર રોડ પર કોઈ પણ જાતની મંજૂરી વિના નદી પર પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જામનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. રંગમતી નદી પર પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ અંગે કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી નથી.

Gujarat Others
જામનગર

જામનગર મહાનગરપાલિકા તંત્રની બેદરકારી અને અંધેર વહીવટનો એક અત્યંત ગંભીર કિસ્સો એક જાગૃત નાગરિક દ્વારા પ્રકાશમાં મુકવામાં આવ્યો છે. જેમાં જામનગર ના લાલપુર રોડ નજીક રંગમતી નદી પર પુલ અને રસ્તો મંજૂરી વગર બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ બનાવવા અંગે કોઈ વ્યક્તિ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવેલ હોય તેવું ધ્યાનમાં આવેલ નથી. તેથી આ કામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા ઉઠાવવામાં આવી છે.

જાહેર જનતાને ઉપયોગી હોય તેવા કોઈપણ વિકાસકામ કે સુવિધાને ઉપલબ્ધ કરાવવા માટે કોઈ દાતા, શ્રેષ્ઠી કે પેઢી કે સંસ્થા આગળ આવે તે ખૂબ જ આવકાર્ય છે. આવા સેવાકાર્ય કે અનુદાનથી કરવાના થતાં વિકાસ કામ માટે ચોક્કસ પ્રણાલી અને કડક નિયમો છે. જામનગર મહાનગરપાલિકાના સંદર્ભમાં વાત કરીએ તો કોઈપણ કામ માટે આર્થિક ખર્ચ આપવાની ઈચ્છા થાય તો સૌ પ્રથમ તે કામની લોકોપયોગીતા સાથે સંપૂર્ણ ખર્ચ સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવતી ઓફર/દરખાસ્ત મ્યુનિ. કોર્પોરેશનમાં રજૂ કરવાની હોય છે જે દરખાસ્ત અંગે મ્યુનિ. કમિશનર અને પદાધિકારીઓ જરૃર પડ્યે દાતા સાથે નેગોશિએશન કરીને દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવે છે.

સ્થાયી સમિતિ અને ત્યારપછી જનરલ બોર્ડમાં આ દરખાસ્તને સ્વીકાર કરાયા પછી તે કામના પ્લાન, એસ્ટીમેટ, ખર્ચ વગેરે તૈયાર કરી દાતાને જાણ કરવામાં આવે છે અને તે પ્રમાણે દાતાની સહમતિ સાથે કામનો વર્ક ઓર્ડર અપાય છે અથવા દાતા દ્વારા ચોક્કસ માપદંડો સાથે જ કામ કરવાનું મંજુર કરાય છે. પણ અહીં જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે લાલપુર ચોકડીથી થોડે આગળ મુખ્ય માર્ગને જોડતો રંગમતિ નદી ઉપર પુલ અને રસ્તો બનાવવાના કામનો છે.

સૌ પ્રથમ તો ઊંડી નદી ઉપર નદીના બે કાંઠાને જોડતો પુલ અને તેના ઉપર રસ્તો બનાવવાની જરૃર કોને પડી? આ કામ કરવા માટે કોઈ ગામ, કોઈ આગેવાન, કોઈ સંસ્થા કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિએ કોઈ કરતા કોઈ રજૂઆત કે માંગણી કરી હોય તેવું ધ્યાનમાં નથી.

નદી ઉપર પુલ બનાવવાનું કામ કરોડોના ખર્ચે થઈ શકે અને તેમાં પૂરના પાણી સામે રક્ષણ રહે છે અને ઉપરના વાહન વ્યવહારને ધ્યાને લઈને પૂરેપૂરો સક્ષમ અને મજબૂત બનાવવાની જરૃર હોય છે જે માટે રાજ્યના વિવિધ સંબંધિત વિભાગો પાસેથી એનઓસી લેવાનું પણ ફરજિયાત હોય છે.

આ ઉપરાંત પુલ બનાવવા માટે તેના બાંધકામમાં પુલની ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ વગેરેની ચોક્કસ ડિઝાઈન નક્કી કરવાની હોય છે અને તેમાં ઉપયોગમાં લેવાતા લોખંડ, સિમેન્ટ વગેરેના પણ ચોક્કસ માપદંડ પ્રમાણે જ કામ કરવાનું હોય છે. આ તમામ બાબતો એટલા માટે જરૃરી છે કે પુલ જેવા કામમાં કઈ ખાનગી પાર્ટી કે વ્યક્તિ નબળું કામ કરે તો જવાબદારી કોની? જેવા પ્રશ્નો સર્જાય તેવી શક્યતા હોય છે.

સ્થાયી સમિતિમાં દરખાસ્ત સ્વીકારાયા પછી તેના પ્લાન એસ્ટીમેટ ડિઝાઈન વગેરે તૈયાર કરીને તેના ખર્ચ માટે કામ કરનાર પાસેથી કાં તો એડવાન્સમાં પૂરેપૂરા નાણા જમા કરાવવાના હોય છે અથવા મ્યુનિ. કોર્પોરેશનના નિરીક્ષણ હેઠળ જે તે પાર્ટીએ પોતે કામ કરવાનું હોય છે. આ તમામ પ્રક્રિયા ફરજિયાત છે, પણ લાલપુર ચોકડી પાસે નદી ઉપર જે પુલ-રસ્તો બનાવવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે તે કામ અંગે કોઈપણ જાતની દરખાસ્ત કે મંજુરીની પ્રક્રિયા થઈ જ નથી. તેમ છતાં કામ ધમધોકાર પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:કોરોના ગયો પણ આડઅસરની ભયાનકતા ચોંકાવનારી

આ પણ વાંચો:ન ગાડી કે ન ઘોડી”, વરરાજાએ JCB  પર જાન કાઢી

આ પણ વાંચો:વડોદરામાં રોમિયોની કરાઇ ધોલાઇ, અલ્તાફ નામના યુવકને પકડી લોકોએ ફટકાર્યો