Gandhinagar News: BJPમાં ગુજરાત પ્રદેશ કારોબારીની નવી ટીમની રચના થઈ ગઈ છે, તેના પગલે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પ્રતીક્ષાનો પણ અંત આવ્યો છે. પણ આ નવી ટીમની રચના અને તેમા થયેલી નવી નિમણૂકો નવા વિવાદોને પણ લઈને આવી છે.
નવી પ્રદેશ સમિતિ (State Executive) માં ગુજરાતમાં સામાન્ય રીતે ગુજરાતના પાંચ હિસ્સા સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch), ઉત્તર (North),મધ્ય (Centre) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) વચ્ચે જે સંતુલન જોવા મળતું હતું તે ખોરવાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. BJPની અંદર જ ગણગણાટ છે કે તેની પ્રાદેશિક કારોબારીના ઇતિહાસમાં પહેલીં જ વખત દક્ષિણ ગુજરાતમાંથી એક પણ મહામંત્રીને નીમવામાં આવ્યો હતો. તેના કારણે દક્ષિણ ગુજરાતના BJPના નેતાઓ હબક ખાઈ ગયા છે. તેઓ માથુ ખંજવાળવા લાગ્યા છે કે આ તેમની સાથે શું થઈ રહ્યું છે. પક્ષે આ પ્રકારનો નિર્ણય કેમ લીધો. પણ તેઓ ભાજપની અવાચક કરી નાખતી સુપેરે જાણતા હોવાથી મોઢું બંધ રાખ્યું છે, પરંતુ ગણગણાટ જારી છે.

BJPની નવી કમિટીને લઈ અસંતોષ
જો કે આ પ્રકારનો ગણગણાટ ફક્ત દક્ષિણ ગુજરાતમાં છે તેવું નથી ઉત્તર અને મધ્ય ગુજરાતના BJPમાં પણ થઈ રહ્યો છે. બીંજા શબ્દોમાં કહીએ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના નેતાઓમાં આ નવી ટીમની રચનાને લઈને અસંતોષ છે.
આ ઉપરાંત આ યાદીમાં કેટલાક વિવાદાસ્પદ નામ હોવાથી તેના કારણે પણ વિરોધ ઉઠ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે અજય બ્રહ્મભટ્ટની સામે સ્થાનિક કાર્યકરોમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હોવા છતાં પણ તેમને મહામંત્રી જેવો મહત્વનો હિસ્સો સોંપવામાં આવતા ભાજપની અંદર બધાને આશ્રર્ય થયું છે. તેમને લાગી રહ્યુ છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાસ્સી મહેનત કરનારા અને BJPને આગળ લઈ જનારા નેતાઓની અવગણના થઈ રહી છે.

BJPમાં મહેનત કરનારાઓની અવગણના
આ ઉપરાંત પૂર્વ પ્રમુખ સી આર પાટિલના કટ્ટર વિરોધી મનાતા ગણપત વસાવાને BJPમાં અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. જ્યારે અગાઉ ટિકિટ કપાઈ હતી તે ઝંખનાબેન પટેલને ઉપપ્રમુખનો મહત્ત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે.
BJPની અંદર સામાન્ય રીતે એક વ્યક્તિ અને એક હોદ્દાનો શિરસ્તો છે, પરંતુ આ વખતે નવી ટીમની રચનામાં આ શિરસ્તો જાણે કોરાણે પાડી દેવાયો છે. પક્ષમાં પહેલેથી જ જવાબદારી છે તેવા ઘણા લોકોને પ્રદેશ સમિતિમાં સ્થાન આપીને તેમને બીજા હોદ્દા આપવામાં આવ્યા છે. આના કારણે પક્ષમાં જ કેટલાયના ભવા ખેંચાયા છે. અહીં જે લોકો હોદ્દાની રાહ જોઈને બેઠા છે તેવા લોકોને કોઈ હોદ્દા મળ્યા નથી, જ્યારે કલ્પના ન હતી તેવા લોકોને હોદ્દા મળ્યા છે. આ સિવાય જવાબદારીઓ તેમને હતી તેવા લોકોને વિશેષ જવાબદારી મળી છે.

BJPનો એક વ્યક્તિ એક હોદ્દાનો શિરસ્તો તૂટ્યો
આ આખી નવી રચના બતાવે છે કે પક્ષ હવે નવા જ વાઘા ધારણ કરી રહ્યો છે. તે હવે કોઈ જૂના શિરસ્તા કે નિયમોને જાળવવા માંગતો નથી. એક વ્યક્તિ અને એક હોદાના નિયમને પણ નવી પ્રદેશ સમિતિની રચના કરતી વખતે તિલાંજલિ આપી દેવામાં આવી છે. આ ઘટના તેનો પુરાવો છે કે પક્ષ હવે નવા જ પ્રકારની વ્યવસ્થા તરફ આગળ ધપી રહ્યો છે.
BJPમાં પાટિલ અને આનંદીબેનના સમર્થકો કપાયા
આ પ્રકારની સમિતિ નીમીને પક્ષ જાણે એવો સંકેત આપવા માંગે છે કે જૂના નેતાઓનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. આ સમિતિની ખાસિયત એ છે કે તેમા આનંદીબેન પટેલ (Anandiben Patel) અને સી આર પાટિલ (C R Patil) ના જૂથનો સમખાવા પૂરતો પણ નેતા નથી. બંનેના સમર્થકોનું રાજકીય અસ્તિત્વ પણ જાણે શૂન્ય બનાવી દેવામાં આવ્યું હોય તેવી આ સ્થિતિ છે.
બીજા શબ્દોમાં કહીએ તો BJPમાં આનંદીબેન પટેલ અને સીઆર પાટીલનું રાજકારણ અહીં પૂરું થયું. હવે અહીં નવા જ પ્રકારના રાજકારણની વાત છે તેવો સંકેત પક્ષે આપ્યો છે, પરંતુ તેના કારણે હાલમાં તો પક્ષમાં આંતરિક અસંતોષ વધ્યો છે. હવે આ આંતરિક અસંતોષને નિગમોમાં હોદ્દાની લ્હાણી કરીને પાર પાડવામાં આવે છે કે પછી પાછી ટીમ મોટી કરવામાં આવે છે તેના પર બધા ગુજરાતીઓની નજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જુનીના એંધાણ, CM,DyCMની PM સાથે દિલ્હી બેઠક
આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માએ સંભાળી ગુજરાત ભાજપની કમાન
આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માની ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાઈ નિમણૂક, સંભાળ્યો ચાર્જ
