Bhavnagar News: ભાવનગરના વલ્લભીપુરમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે PGVCLના બે કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. 5 ઓગસ્ટે માનસ કન્યા શાળા ખાતે કામગીરી દરમિયાન દંપતીએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનામાં બંને કર્મચારીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
PGVCL 2 કર્મચારીઓ પર દંપતીનો હુમલો, દંપતી સામે ગુનો નોંધાયો
વલ્લભીપુરમાં PGVCLના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન સુરેશભાઈ ડાયાભાઈ જોશી અને કોન્ટ્રાક્ટ કર્મચારી શિવાંગભાઈ પરમાર 5 ઓગસ્ટે બપોરે આશરે 1:30 વાગ્યે માનસ કન્યા શાળા ખાતે કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક રહેવાસી કિશોર ભગવાનભાઈ મોરી અને તેની પત્ની ત્યાં પહોંચ્યા હતા. બંનેએ પોતાના ઘરે સ્માર્ટ મીટર (Smart Meter) કેમ લગાવવામાં આવ્યું તે અંગે કર્મચારીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.
સ્માર્ટ મીટર મુદ્દે બોલાચાલી બાદ હુમલો
ફરિયાદ મુજબ પીજીવીસીએલ કર્મચારીઓએ સરકારના નિયમો અનુસાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ દંપતી ઉશ્કેરાયું હતું અને કર્મચારીઓને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓએ અપશબ્દો નહીં બોલવા જણાવતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ દંપતીએ લાકડી અને પ્લાસ્ટિકના પાઇપ વડે બંને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાથી બચવા માટે કર્મચારીઓએ સ્થળ પરથી ભાગીને પોતાનો બચાવ કર્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી.
ઈજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને કર્મચારીઓ સારવાર માટે વલ્લભીપુર હોસ્પિટલ (Vallabhipur Hospital) પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન સુરેશ જોશીએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દંપતી સામે સરકારી કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરવા અને હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
6થી વધુ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો
ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે (Vallabhipur Police)આરોપી દંપતી સામે BNSની કલમ 54, 115(2), 221, 121, 352 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે શું બન્યું હતું, હુમલામાં કઈ રીતે ઈજા થઈ અને આરોપી દંપતીની ભૂમિકા સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ હુમલા અને પોલીસ ફરિયાદ સુધી પહોંચતા પીજીવીસીએલ કર્મચારીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો:રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: PGVCL MD એમ.ડી. ચુડાસમા બનશે તપાસ સમિતિના નવા અધ્યક્ષ
આ પણ વાંચો:રાજકોટ: સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ બાદ PGVCLનું ઓપરેશન
