Ahmedabad News: અમદાવાદમાં અઢી વર્ષ પૂર્વે એક પરીણિતા પર આચરવામાં આવેલા દુષ્કર્મના કેસમાં ફક્ત અઢી વર્ષમાં સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની આકરી સજા ફટકારી છે. તેની સાથે તેને રૂ. 1.34 લાખનો દંડ ફટકાર્યો છે અને તેમાથી અડધી રકમ પીડિતાને આપવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદના ઓઢવ પોલીસ મથકે જાન્યુઆરી, 2022માં બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376, 376(2)(m), 376(D), 394, 450, 342, 324 અને 114 મુજબ ગુન્હો નોંધાયો હતો. જેમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલમાં 17 સાહેદો અને 26 દસ્તાવેજી પુરાવા તપાસાયા હતા.
દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા ઓઢવ ખાતે પોતાના પતિ સાથે રહેતી હતી. તેમજ ઘરકામ કરતી હતી. તેનો પતિ નોકરી ઉપર ગયો હતો, તે દરમિયાન બપોરે તેના રૂમનો આડો દરવાજો ખોલીને બે 20થી 25 વર્ષીય ઇસમો અંદર પ્રવેશ્યા હતા. આ ઈસમોએ પૂછપરછના બ્હાને અમને જમાડ કહીને એક આરોપીએ પીડિતાના હાથ પકડીને મોઢું દબાવી દીધું હતું, બીજાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
રૂમનો દરવાજો બંધ કરનાર ઈસમે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પ્રતિકાર કરતાં આરોપીએ પીડિતાના હાથ ઉપર બ્લેડ પણ મારી હતી. પીડિતાએ બૂમાબૂમ કરતાં બંને ભાગી ગયા હતા. ભાગતા બંને પીડિતાનો મોબાઈલ પણ લૂંટી ગયા હતા. પીડિતા ઘરની બહાર આવતા તેના હાથ અને ગુપ્ત ભાગેથી લોહી વહી રહ્યું હતું. જેથી પાડોશીઓ તેને 108 બોલાવી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ત્રણ દિવસ પીડિતાએ સારવાર લીધી હતી. પીડિતાએ સઘળી હકીકત ડોક્ટરને જણાવી હતી. પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સુરજ અને વિરૂકુમારને ઝડપી પાડયા હતા. આ બંને પણ મૂળ બિહારના છે.
ટ્રાયલ પૂર્ણ થતાં જજ જે.આઇ.પટેલે બંને આરોપીઓને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. આરોપીને કરાયેલા 1.34 લાખના દંડમાંથી 50 ટકા રકમ પીડિતાને આપવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચો:કંડલામાં રોકસોલ્ટની આડમાં સોપારીના છ કન્ટેનરની તપાસમાં ભેદભરમ : SIIB એ સિઝ કર્યા બાદ કેમ હલચલ નહીં?
આ પણ વાંચો:કંડલામાં સોપારી દાણચોર ગેંગ સક્રિય
આ પણ વાંચો:કન્ટેઈનરમાંથી સોપારી કાઢી મીઠુ ભરી કરાતા છળકપટનો પર્દાફાશ
