Mumbai News: આર્થિક નગરી મુંબઈને ધ્રુજાવી દે તેવા એક સનસનાટીપૂર્ણ કાવતરાનો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આગામી મોહરમના જુલૂસ દરમિયાન હજારો લોકોને નિશાન બનાવી સામૂહિક હત્યાકાંડ (Massacre)રચવાનો આ ઘાતક પ્લાન હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે સમયસર નાકામ કરી દીધો છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં પુણેના એક જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરી છે.
હત્યાકાંડ માટે ઓનલાઈન મંગાવ્યું 50 કિલો ઝેર!
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch)ની ટીમને મળેલી એક અત્યંત ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઓપરેશન દરમિયાન આ સમગ્ર ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસના દરોડા દરમિયાન એવો ખુલાસો થયો હતો કે, મુખ્ય આરોપીએ કાયદાની નજરમાંથી બચવા માટે ઓનલાઈન ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરીને અંદાજે 50 કિલો જેટલો અત્યંત ઘાતક અને પ્રતિબંધિત ઝેરી પદાર્થ મંગાવ્યો હતો. આ ભયાનક કેમિકલ અને ઝેરનો ઉપયોગ કરીને તેણે કાવતરાના ભાગરૂપે 14,00 જેટલી ઝેરી કેપ્સ્યુલ્સ (Poisonous capsules) પણ તૈયાર કરી લીધી હતી, જેને ક્રાઈમ બ્રાન્ચે સમયસર રેડ પાડીને ઘટનાસ્થળેથી જ જપ્ત કરી લીધી છે.
મોહરમ જુલૂસ હતું નિશાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીનો હેતુ મોહરમના પવિત્ર જુલૂસ દરમિયાન સામેલ થનારા નિર્દોષ લોકોને આ ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનો હતો. જો આ કાવતરું સફળ રહ્યું હોત તો મુંબઈમાં મોટી જાનહાનિ થઈ શકી હોત. જોકે, ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડીને આ ભયાનક કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે.
પેઇનકિલરના નામે વેચાતી હતી મોતની કેપ્સ્યુલ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવેલા આ ભયાનક કાવતરાના માસ્ટરમાઇન્ડની ઓળખ પુણેના બિઝનેસ જગત સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ ફયાઝ પ્રેમજી તરીકે જાહેર કરવામાં આવી છે, જે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે નિર્દોષ લોકોના જીવ લેનારી આ તમામ ઝેરી કેપ્સ્યુલ્સને બજારમાં સામાન્ય ‘પેઇનકિલર’ (દુખાવાની દવા) તરીકે ઓળખાવી તેનું ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય કરતો હતો જેથી તેનું આ કાળું કરતૂત ક્યારેય પકડાય નહીં.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તપાસ તેજ કરી
આરોપી ફયાઝ પ્રેમજીની ધરપકડ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે તપાસના ચક્રો અત્યંત ગતિમાન કર્યા છે. પોલીસ હાલ એ દિશામાં સઘન પૂછપરછ ચલાવી રહી છે કે આ ભયાનક કાવતરા પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક આતંકી સંગઠન સંડોવાયેલું છે કે કેમ. આ સાથે જ આટલી મોટી માત્રામાં ઝેર ક્યાંથી અને કોની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવ્યું, તેમજ આ ગુનાહિત નેટવર્કમાં ફયાઝ સાથે અન્ય કેટલા લોકો સામેલ છે, તે તમામ પાસાઓ પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સનસનાટીપૂર્ણ ધરપકડ અને ખુલાસા બાદ સાવચેતીના પગલારૂપે મુંબઈ અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પણ અગાઉ કરતાં વધુ કડક કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : ડ્રગ માફિયાઓનું નવું હથિયાર ‘માનસિક રોગની દવાઓ’: NCB ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો : કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક; બંને પરિવારની માતાઓ સામસામે, શું સિયા દોષિત છે?
આ પણ વાંચો : અમદાવાદ રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં: ડ્રોન સર્વેલન્સ, ધાબા પોઈન્ટ પર પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ શરૂ
