Dahod News/ દાહોદમાં ક્રૂઝરે વૃદ્ધ સાયકલ ચાલકને એક કિ.મી. સુધી ઘસડી મોતને ઘાટ ઉતાર્યો

દાહોદમાં બનેલી હૃદયવિદારક ઘટનામાં ક્રૂઝરે વૃદ્ધ સાઇકલિસ્ટને એક કિ.મી. ઘસડતા તેનું કરૂણ મોત થયુ હતું. આ બતાવે છે કે રસ્તા પર વાહનચાલકો કેવી રીતે બેફામ વાહનો ચલાવે છે. જો કે પોલીસે ક્રૂઝર ચાલકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Cruiserએ વૃદ્ધ સાઇકલ ચાલકને કચડી નાખ્યો

Dahod: દાહોદમાં જાણે દુર્ઘટનાઓને કોઈ હદ રહી નથી તેવી સ્થિતિ છે. દાહોદમાં માનવતાને કોરાણે મૂકતી હિટ એન્ડ રનની ભયાનક ઘટનામાં એક વૃદ્ધ સાઇકલ ચાલકને ક્રૂઝરે (Cruiser) કચડી નાખીને દર્દનાક મોત આપ્યુ હતુ. હદ તો ત્યાં થઈ હતી કે આ ક્રૂઝર (Cruiser) ચાલકે એક કિ.મી. સુધી વૃદ્ધ સાઇકલ ચાલકને પકડ્યો હતો. તેણે આટલા સમય સુધી વાહનને ઊભું રાખવાની કે તે સાઇકલ ચાલકને બચાવવાની જરા પણ તસ્દી લીધી ન હતી.

ક્રૂઝર (Cruiser)ચાલકની ક્રૂરતા

આ ઘટના અંગે મળતી વિગતો મુજબ આ દુર્ઘટનામાં એક કિલોમીટર કરતાં પણ વધુ અંતર સુધી ઢસેડાયેલા વૃદ્ધનો મૃતદેહ પરેલના કારખાના નજીકથી મળી આવ્યો હતો. આ અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પરેલના કારખાના નજીકથી પસાર થઈ રહેલા વૃદ્ધને ક્રૂઝર ગાડીએ ટક્કર મારી હતી. આ ટક્કરમાં વૃદ્ધિ ગાડીની નીચે ફસાઈ ગયા હતા. આમ છતાં પણ ક્રૂઝર ચાલકે ગાડી રોકી ન હતી. ક્રૂઝર ચાલકે ગાડી ન રોકતા વૃદ્ધને લગભગ એક કિલોમીટર સુધી ઘસેડ્યા હતા.

ક્રુઝર ચાલક નશામાં હતો!

લોકોએ આ અકસ્માત જોઈને રીતસરનો ચિત્કાર નાખ્યો હતો અને વાહનને અટકાવવા સતત બૂમો પાડી હતી, પરંતુ ક્રૂઝર ચાલક જાણે નશામાં હોય તેમ તેણે ગાડી ચલાવી રાખી હતી. તેણે વાહન અટકાવીને વૃદ્ધનો જીવ બચાવવાની જરા પણ માનવતા દાખવી ન હતી. આ દુર્ઘટનાએ બતાવ્યું હતું કે હેવાનિયતની પરાકાષ્ઠા કોને કહેવાય.

પોલીસે ક્રૂઝર ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

લોકોએ તરત જ આ દુર્ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. તેના લીધે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તરત જ વૃદ્ધનો મૃતદેહ પંચનામુ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમની ઓળખ પણ ટૂંક સમયમાં નક્કી થશે. આ ઘટનાના પગલે લોકોમાં જબરદસ્ત આક્રોશ હતો. પોલીસે પણ તરત જ કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજના આધારે ક્રૂઝર ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. તેની સામે ખરેખર અકસ્માતના બદલે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ તેવી લોકોએ માંગ કરી હતી.


આ પણ વાંચો : વડોદરામાં નશામાં કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા, કારમાંથી દારૂની બોટલો મળી

આ પણ વાંચો : નશામાં ધૂત થાર ચાલકે રાજકોટમાં ઉત્પાત મચાવ્યો

આ પણ વાંચો : છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત ચાલકે બે કાર, 20 મોટરસાઇકલને મારી ટક્કર