Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) ના હસ્તે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું ‘વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ’ નામકરણ કરવામાં આવ્યુ હતુ, ઉપરાંત નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ કરીને ‘herSTART’ની 5 મી આવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University, Ahmedabad) ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તથા herSTARTના પાંચમાં સંસ્કરણના શુભારંભ અવસરે સંબોધન કરી રહ્યાં હતા.
ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ-GUSEC દ્વારા વિમેન સ્ટાર્ટઅપ્સ (Women Startups)ને ઇન્ક્યુબેશન, મેન્ટરશીપ અને માર્કેટ એક્સેસ સપોર્ટ આપવાના આશયથી herSTART કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેનું પાંચમું સંસ્કરણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયું છે.

•વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની યુવાશક્તિના ઇનોવેશન્સને નવી દિશા આપવા શરૂ કરાવેલું સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે રિવોલ્યુશન બની ગયું છે. એક દાયકા પહેલા દેશમાં 500થી ઓછા સ્ટાર્ટઅપ હતા તે વધીને હવે અંદાજે 2 લાખ સુધી પહોંચી ગયા છે તેમાં પણ મહિલાશક્તિની અડધોઅડધ ભાગીદારી છે. એટલું જ નહિ, વિમેન-લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારત અગ્રિમ હરોળમાં આવી ગયુ છે.
તેમણે પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક વિદ્યાગૌરી નિલકંઠ (Vidyagauri Nilkanth)ના નામ સાથે યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરને જોડીને ‘વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ્’ નામકરણ માટેની ગુજરાત યુનિવર્સિટીની પહેલની પણ સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની દીકરીઓ-બહેનોની એન્ટરપ્રાઈઝીંગ સ્કિલને ન્યૂ એઈજ ટેકનોલૉજી સાથે જોડીને તેમને ખીલવાના અવસરો આપવામાં herSTART મહત્વપૂર્ણ બન્યું છે. આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે રૂ. 45 કરોડનું પ્રાવધાન પણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં યુવાશક્તિ ટેકનોલૉજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભર બની રહી છે અને સ્કિલ ડેવલપમેન્ટના અનેક અવસરો પણ ખૂલ્યા છે.

•સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાનએ સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટ (Semiconductor Plant, Sanand)નું લોકાર્પણ કર્યું છે. સાણંદ અને ધોલેરા સેમિકંડક્ટર હબ તરીકે યુવાઓ માટે હાઈટેક રોજગાર અવસરો ઊભા કરશે.
નારીશક્તિને પણ સેમિકંડક્ટર સેક્ટરમાં પોતાનું કૌશલ્ય બતાવવાની જે તકો છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સેમિકંડક્ટર સ્ટાર્ટઅપ્સ, ચિપ ડિઝાઈન અને ફેબ્રિકેશન મેનેજમેન્ટ તથા સેમિકંડક્ટર પેકેજિંગ અને ડીપટેક ઇનોવેશન મહિલાઓ શરૂ કરે તે માટે herSTART મદદરૂપ થાય તેવી આપણી નેમ છે.

•ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે.
મુખ્યમંત્રીએ ટેકનોલોજી (Technology)ને માત્ર કેરિયર ઓપ્શન નહિ, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું મિશન ગણાવતા યુવાશક્તિને ઇમર્જીંગ સેક્ટર્સના સ્ટાર્અપ્સ દ્વારા ગુજરાત (Gujarat)ને સ્ટાર્ટઅપ હબ સાથોસાથ વિમેન-લેડ ડીપટેક ઇનોવેશન હબ બનાવવાનું પણ પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે herSTARTના ચોથા સંસ્કરણની સફળતાની ગાથા સાથેની કોફીટેબલ બુકનું વિમોચન અને વિમેન-લેડ સ્ટાર્ટઅપ્સનું સન્માન પણ આ અવસરે કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ કાઉન્સિલના સીઇઓ શ્રીનિવાસ રાવ સુરેડ્ડી ચોથી herSTART વિષે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. નીરજા ગુપ્તા, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. પિયુષ પટેલ, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
