રિલાયન્સ નીપોન કંપનીની પોલીસી ઉપર આર્થિક લાભ અપાવવાના બહાને અને લોકપાલમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી વીમા પોલિસી બાબતે અલગ અલગ ચાર્જ વસૂલી ફરિયાદી સાથે લાખોની છેતરપિંડી કરતી ગેંગના આરોપીને સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી 4,63,951ની રકમ ફ્રિજ કરાવી છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, ઓક્ટોબર 2020થી અલગ અલગ મોબાઈલ પરથી ફોન કરીને આરોપીઓએ ફરિયાદીને પોતે લોકપાલ કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ રિલાયન્સ નિપોન કંપનીની પોલિસી ઉપર આર્થિક લાભ અપાવવાનું જણાવીને આરોપીઓએ ફરિયાદી પાસેથી એક ડિસેમ્બર 2020થી 15 ડિસેમ્બર 2021 સુધીમાં ફરિયાદીના અલગ અલગ બેંક એકાઉન્ટ મારફતે 28,00,860 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને આરોપીઓએ કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ આપ્યો ન હતો અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેના આધારે અગાઉ 2 આરોપીને 11 ઓક્ટોબર 2022ના રોજ પકડી પાડ્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 11 ઓક્ટોબરના રોજ પકડેલા આરોપીનું નામ સંતોષકુમાર અને શ્યામવિર પાલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેમની સાથે અન્ય 6 આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા છે. તેથી પોલીસે બાતમીના આધારે મનોજકુમાર, સલાઉદ્દીન સિદ્દીકી, રામપ્રસાદ, અજય કુમાર, મોહમ્મદ રિઝવાન અને ખુશ્બુ મિશ્રા નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાંથી ઝડપાયા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી 4,63,951ની રકમ પણ ફ્રીઝ કરાવી હતી.
