Gandhinagar News: ગુજરાતમાં વરસાદ પર એક પછી એક એમ ત્રણ સિસ્ટમ સક્રિય છે આ સમયે ગુજરાતમાં આસના વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. ગુજરાતના ઉપરનું ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. જો કે સૌથી મોટી શાંતિ એ છે કે ગુજરાતમાં રચાનારું આ વાવાઝોડું (Cyclone) ગુજરાતને ખાસ નુકસાન પહોચાડવાનું નથી. ગુજરાતમાં આ વાવાઝોડું કચ્છના ઉપર રચાશે. આ વાવઝોડાંના લીધે પ્રતિ કલાક 95 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. કચ્છમાંથી તે પાકિસ્તાન જશે અને પાકિસ્તાનમાં કરાચીમાં ત્રાટકશે, એમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ ગુજરાત ઓગસ્ટ મહિનો પૂરો થવાની સાથે વરસાદી વાતાવરણની આ સિસ્ટમથી મુક્ત થશે અને સમગ્ર રાજ્યમાં વાતાવરણ ખુલ્લુ થઈ જશે. આમ આસના વાવાઝોડાંથી ગુજરાતને કોઈ ભય નથી. આમ છતાં પણ ગુજરાતના લોકોએ સાવધાની દાખવવા જેવી ખરી, કમસેકમ કચ્છના લોકોએ તો ચોક્કસ દાખવવી પડશે.
વાવાઝોડાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી પોષાય નહી. કચ્છમાં પણ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સાબદુ કરી દેવાયુ છે. એનડીઆરએફની ટુકડીઓ ખડકી દેવામાં આવી છે. જોખમી મકાનો ઉતારી લેવાયા છે. વીજ કંપનીની ટીમોને ખડેપગે તૈયાર રાખવામાં આવી છે. ભરાયેલા પાણીને કાઢવાના મશીનો પણ કચ્છમાં મોકલી આપવામાં આવ્યા છે.
તેની સાથે રાહત શિબિરો અને ફૂડ પેકેટોની તૈયારી પણ આદરી દેવાઈ છે. કચ્છની બધી સરકારી શાળાઓનો જરૂર પડે તો રાહત શિબિરો તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય બીજા સરકારી મકાનો પણ ઉપયોગમાં લેવામાં આવશે. બધા જ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે. સમગ્ર તંત્રને ખડેપગે રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ પણ સાવધ કરી દેવાયો છે. ડોક્ટરોની ટીમો ખડે પગે રખાઈ છે. નર્સિંગ સ્ટાફમાં પણ વધારાનો સ્ટાફ મંગાવાયો છે. 108ની એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં આવશ્યક ન હોય તેના સિવાયના બીજા કોઈપણ ઓપરેશન ન કરવા તથા હોસ્પિટલોમાં આવનારાઓ માટે પણ સગવડ રાખવા કહેવામાં આવ્યું છે.
