FIR/ ગૈચર જમીન પર ગેરકાયદેસર દુકાનો બનાવનાર સામે લેન્ડ ગ્રેબિંગ તળે પગલા ભરવા TDOને આદેશ કરતા ડે.કલેક્ટર

ગીરગઢડામાં છેલ્લા ધણા સમયથી ગોચર પર થયેલ દબાણો અને સ્મશાન ભૂમિની બાજુમાં ગેરકાયદેસર બનાવામાં આવેલ 29 દુકાનો નો વિવાદ ચાલતો હોય અને આ બાબતે આર ટી આઇ

Gujarat Others

ગીરગઢડામાં છેલ્લા ધણા સમયથી ગોચર પર થયેલ દબાણો અને સ્મશાન ભૂમિની બાજુમાં ગેરકાયદેસર બનાવામાં આવેલ 29 દુકાનો નો વિવાદ ચાલતો હોય અને આ બાબતે આર ટી આઇ એક્ટીવિસ્ટ હર્ષદ બાંભણીયા દ્વારા વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરાતા રહી રહી ને તંત્રની આંખ ખુલતા આ સમગ્ર પ્રકરણની ફાઇલ દબાવી દેવાની હિલચાલ સામે ઉનાના નાયબ કલેક્ટર જે એમ રાવલે ગીરગઢડા ટી ડી ઓ ને આ ગોચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા તેમજ રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પગલા ભરવા આદેશ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ઉનાના નાયબ કલેક્ટર જે એમ રાવલે તા.25 જાન્યુ.2021ના રોજ ગીરગઢડા ટી ડી ઓ ને લેખિત જણાવેલ કે ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીથી લઇને જામવાળા રોડ સુધીમાં ગોચરના સર્વે નં.32 પૈકીની જમીન પર મોટાપાયે વાણીજ્ય હેતુના દબાણો કરવામાં આવેલ છે. તેમજ સર્વે નં.32/1 પૈકી 1 પૈકી 1 જમીન સરકારી પડતર ગોચરની જમીન સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ હોય આ જમીનમાં ગીરગઢડા ગામના આગેવાનોએ સ્મશાન સમિતી બનાવી એક સાથે 29 જેટલી દુકાનો ગ્રામ પંચાયતની કોઇપણ પ્રકારની મંજુરી વિના ગે.કા. રીતે બનાવી પ્રત્યેક દુકાન આશરે રૂ.10 થી 12 લાખ જેટલી રકમ લઇ વેંચાણ કરવામાં આવેલ છે. તેમજ અવાર નવાર આ દબાણો ખુલ્લા કરવા બાબતે રજુઆત કરવામાં આવેલ હોવા છતાં પણ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આમ ડે.કલેક્ટર દ્વારા ગીરગઢડા ટીડીઓને સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે પગલા ભરવા લેખિત જાણ કરતા ફરી એક વખત આ ગોચરના દબાણનો મુદો ઉછળતા સમગ્ર નાધેર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. ત્યારે સવાલએ ઉઠવા પામેલ છે કે તંત્ર દ્વારા પગલા ભરવા આદેશ થાય છે પણ પગલા ક્યારે ભરાશે. ?

આ દબાણ દૂર કરવા તેમજ લેન્ડ ગ્રેબિંગ તળે પગલા ભરવા બાબતે ગીરગઢડા ટીડીઓનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ પ્રકરણ ઉચ્ચકક્ષાએ મોકલી આપેલ છે. પરંતુ હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણી હોય ચુંટણી પૂર્ણ થયા બાદ આ પ્રકરણ હાથમાં લઇશું.

જામવાળા રોડ પર સ્મશાન ભૂમિ નજીક સરકારી પડતર ગોચરમાં 29 દુકાનોના પાયા ખોદાયા તે વખતેજ ગે.કા. દબાણ બાબતે રજુઆત થયેલ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ધ્યાને ન અપાયું. અને દુકાનો બની ગઇ ત્યાં સુધી તંત્રએ તમાશો નિહાળ્યા કર્યા.

ગોચર પર ગે.કા. દબાણ બાદ આ અંગેના અખબારી અહેવાલ પ્રસિધ્ધ થતાં જ આ ગોચરના દબાણ તંત્ર દ્વારા દૂર ન કરવામાં આવે તે માટે આગેવાનોએ ગામ બંધ રખાવ્યુ હતું. તેમ છતાં પણ તંત્ર દ્રારા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી આગળ વધારી રહ્યાં છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…