Dahod News/ દાહોદમાં ગેસની અછતને કારણે અંગ્રેજોના સમયની ઐતિહાસિક રેલવે કેન્ટીન પર લાગ્યા તાળાં

દાહોદ (Dahod) ના પરેલ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક રેલવે કેન્ટીન LPG ગેસની અછતને કારણે બંધ થઈ. માત્ર ₹30 માં મળતું ભોજન બંધ થતા કર્મચારીઓ પરેશાન.

Top Stories Gujarat Others
Dahod Railway Canteen Close

Dahod Railway Canteen Close: દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી અને અંગ્રેજોના શાસનકાળથી કાર્યરત ઐતિહાસિક રેલવે કેન્ટીન હાલમાં બંધ કરવાની ફરજ પડી છે. આશ્ચર્યજનક રીતે, આટલી મોટી સંસ્થાની કેન્ટીન માત્ર LPG ગેસની અછતને કારણે ઠપ્પ થઈ ગઈ છે. જેને પગલે હજારો રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ માટે ચા-નાસ્તા અને જમવાની મોટી મુશ્કેલી ઉભી થઈ છે.

Dahod Railway Canteen Close

માત્ર 30 રૂપિયામાં મળતું હતું પૌષ્ટિક ભોજન

દાહોદ રેલવે વર્કશોપના કર્મચારીઓ માટે આ કેન્ટીન આશીર્વાદ સમાન હતી. અહીં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને માત્ર રૂપિયા 30 માં સાદું અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવતું હતું. મોંઘવારીના જમાનામાં રેલવે કર્મીઓ માટે આ કેન્ટીન એક મોટો સહારો હતી, પરંતુ ગેસનો બોટલ ન મળતા રસોડું બંધ થઈ ગયું છે.

Dahodમાં ગેસની અછત બની વિઘ્ન

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેન્ટીન સંચાલકોને જરૂરી જથ્થામાં LPG ગેસના બોટલ ઉપલબ્ધ ન થતા છેવટે ઐતિહાસિક કેન્ટીનને તાળાં મારવાની નોબત આવી છે. પરેલ વિસ્તારમાં આવેલી આ કેન્ટીન બંધ થવાથી કર્મચારીઓની હાલાકીમાં પણ વધારો થયો છે, કારણ કે હવે તેમને ચા-નાસ્તા કે જમવા માટે બહાર ભટકવું પડે છે અથવા તો કામના કલાકો દરમિયાન ભૂખ્યા પેટે રહેવાની ફરજ પડી રહી છે. આ કેન્ટીન માત્ર એક સામાન્ય ભોજનાલય નથી, પરંતુ અંગ્રેજોના સમયથી સતત કાર્યરત હોવાથી તેનું વિશેષ ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે, ત્યારે આટલી જૂની વ્યવસ્થા બંધ થવી એ રેલવે તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે.

Dahod Railway Canteen Close

અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે રોષ

કેન્ટીન બંધ થવાથી માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓને પણ નાસ્તા અને ભોજનની સમસ્યા નડી રહી છે. રેલવે યુનિયનો અને કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ગેસના પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે અને આ ઐતિહાસિક કેન્ટીનને ફરીથી ધમધમતી કરવામાં આવે.

સ્થાનિક સ્તરે ચર્ચા છે કે જો આવી રીતે જ ગેસની અછત રહેશે, તો આગામી દિવસોમાં અન્ય સરકારી મેસ કે કેન્ટીનો પર પણ તેની અસર જોવા મળી શકે છે.


આ પણ વાંચો: દાહોદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે સહાયની રજૂઆત

આ પણ વાંચો : દાહોદ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત, SUV ડિવાઇડર,થાંભલા સાથે અથડાઈ,3નાં મોત

આ પણ વાંચો: દાહોદમાં સંબંધોને લજવતી ઘટના! નરાધમ સસરાએ પુત્રવધૂને નશાની હાલતમાં કરી પીંખી