Dakor News: ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિક્રમ સંવતના નૂતન વર્ષની ઉજવણી અનોખી પરંપરા સાથે કરવામાં આવી હતી. અહીં ભગવાન રાજા રણછોડરાયને (Ranchhodraiji Temple) ધરાવવામાં આવેલા 151 મણના વિશાળ અન્નકૂટની પ્રસાદી (Dakor Annakut) ભક્તો દ્વારા લૂંટવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરામાં ભાગ લેવા માટે આસપાસનાં આશરે 80 ગામોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અન્નકૂટની પ્રસાદી મેળવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોરમાં ઉમટી પડ્યા હતા.
Dakor Annakut: ભગવાનને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
દિવાળીના બીજા દિવસે વહેલી સવારે ભગવાન રાજા રણછોડરાયની મંગળા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનને કેસર સ્નાન કરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગોવર્ધન પર્વતની પૂજા (Govardhan Puja) કરવામાં આવી હતી. બપોરે મંદિરના મુખ્ય દરવાજા બંધ કરીને સેવકો દ્વારા ભગવાન સમક્ષ બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને પરંપરાગત રાજભોગ સહિતનો કુલ 151 મણનો અન્નકૂટ (151 Mann Annakut) ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસાદી મેળવવા માટે મંદિર પ્રશાસન દ્વારા આસપાસનાં આશરે 80 ગામોના લોકોને અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભગવાનને ભોગ ધરાવવાની વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવતાં જ બહાર રાહ જોઈ રહેલા ગ્રામજનો અન્નકૂટની પ્રસાદી લેવા માટે ઉમટી પડ્યા હતા.
પ્રસાદી માત્ર ઘરે નહીં, બીજાને પણ વહેંચે છે ભક્તો
ડાકોરની આ પરંપરાની વિશેષતા એ છે કે ભક્તો પ્રસાદી માત્ર પોતાના ઘર સુધી મર્યાદિત રાખતા નથી. તેઓ રસ્તામાં મળતા સગાં-સંબંધીઓ અને અન્ય શ્રદ્ધાળુઓને પણ પ્રેમથી વહેંચે છે. આ અનોખી પરંપરાનાં દર્શન કરવા અને પ્રસાદી મેળવવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર અને નગર ‘રાજા રણછોડરાયની જય’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
ક્ષત્રિય સમાજને પ્રસાદી લેવાનો વિશેષ અધિકાર
મંદિરના સેવા પૂજારી લાલાભાઈના જણાવ્યા અનુસાર, ગોવર્ધન પૂજાનો ઇતિહાસ દ્વાપર યુગ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને ઇન્દ્રદેવની પૂજા છોડાવી ગોવર્ધન પર્વતની પૂજા કરાવી હતી અને પર્વત ધારણ કરીને તેમનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ગોવર્ધન પૂજા અને અન્નકૂટની પરંપરા ચાલી આવતી હોવાનું માનવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે ડાકોર મંદિરમાં સામાન્ય રીતે સવા સો મણથી દોઢસો મણ સુધીનો અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. વર્ષોથી અહીં ક્ષત્રિય સમાજને અન્નકૂટની પ્રસાદી લેવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. પરંપરા મુજબ, ખેતીનો પાક તૈયાર થયા બાદ આ સમાજના લોકો મંદિરમાં અનાજ અર્પણ કરતા હોય છે. ત્યારબાદ તેઓ મંદિરમાં આવીને પ્રસાદી ગ્રહણ કરે છે અને અન્ય ભક્તોમાં પણ તેનું વિતરણ કરે છે.
આમ, ડાકોરમાં અન્નકૂટની પ્રસાદી લૂંટવાની પરંપરા ધાર્મિક આસ્થા, સામાજિક જોડાણ અને વર્ષો જૂની માન્યતાનું અનોખું ઉદાહરણ બની રહી છે.
આ પણ વાંચો: ડાકોરમાં દિવાળીની અનોખી પરંપરા! 187 વર્ષથી થાય છે ચોપડા પૂજન, આજે હૂંડી સ્વીકારશે રણછોડરાયજી
આ પણ વાંચો: ડાકોરમાં શ્રીકૃષ્ણે ધારણ કર્યું રાધાજીનું સ્વરૂપ
આ પણ વાંચો: રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી
