Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પરથી દબાણ દૂર કરવાની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન નિકોલ વિસ્તારમાં એસ્ટેટ વિભાગની ટીમ (AMC Team)પર પથ્થરમારા (Stones Pelted)ની ઘટના સામે આવતા મામલો ગરમાયો છે.
નિકોલ વિસ્તારમાં એસ્ટેટ વિભાગની ટીમ (AMC Team)પર પથ્થરમારો
માહિતી મુજબ પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ મનમોહન ચાર રસ્તાથી ખોડીયાર મંદિર, નિકોલ ગામ, ગંગોત્રી સર્કલ અને અટલ આવાસ સુધીના માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરી કરી રહી હતી. રોડ પર ઉભેલી શાકભાજીની લારીઓ અને પાથરણાં હટાવવાની કાર્યવાહી શરૂ થતાં કેટલાક લારીગલ્લા ધારકો અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

સ્થળ પર ભારે હોબાળો સર્જાયો હતો. કેટલાક લોકોએ હાથમાં દંડા લઈને કર્મચારીઓને ધમકાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો (Stones Pelted)કરવામાં આવ્યો હતો, જેમાં વાહનના કાચ તૂટી ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
AMCના એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ટ્રાફિકને અસર કરતા તમામ દબાણો સામે કાર્યવાહી ચાલુ રહેશે. જો સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવશે તો સંબંધિત લોકો સામે પોલીસ ફરિયાદ સહિત કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
