Kheda News/ ડાકોરમાં દિવાળીની અનોખી પરંપરા! 187 વર્ષથી થાય છે ચોપડા પૂજન, આજે હૂંડી સ્વીકારશે રણછોડરાયજી

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દિવાળીએ (Dakor Temple Diwali) 187 વર્ષ જૂની પરંપરા મુજબ ચોપડા પૂજન થયું. સાંજે ભગવાન વેપારી બની હાટડી દર્શન આપશે અને ભક્તોની હૂંડી સ્વીકારશે.

Gujarat Top Stories Others Breaking News
Dakor Temple Diwali: ડાકોરમાં 187 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત

Kheda News: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં (Ranchhodraiji Temple) દિવાળી (Dakor Temple Diwali) પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના પાવન અવસરે મંદિરમાં ભગવાનના ચોપડાનું શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. સોનાની પેન, ચાંદીનો ખડીયો અને ચોપડાનું પરંપરાગત રીતે પૂજન કરી ભગવાનના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. સાંજે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી સ્વરૂપ ધારણ કરીને હાટડી ભરશે અને ભાવિકોની હૂંડી સ્વીકારશે.

Dakor Temple Diwali: સોનાની પેન અને ચાંદીના ખડીયાથી ચોપડા પૂજન

દિવાળીના દિવસે મંદિરમાં ભગવાનના ચોપડા ઉપરાંત સોનાની પેન અને ચાંદીના શાહીભરેલા ખડીયાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. કંકુ, ચોખા, અબીલ-ગુલાલ અને નૈવેદ્ય અર્પણ કરીને કપૂર આરતી સાથે પરંપરાગત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. વેદોક્ત બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવી હતી, જ્યારે મંદિરના મેનેજરે પણ વિધિમાં ભાગ લીધો હતો.

ચોપડા પૂજન (Chopda Pujan) પૂર્ણ થયા બાદ આ ચોપડાઓ આખી રાત મંદિર પરિસરમાં ભગવાનની સન્મુખ રાખવામાં આવે છે. મંદિરની આ પરંપરા છેલ્લા 187 વર્ષથી જળવાઈ રહી છે. મંદિરની વહીવટી ઓફિસમાં ખાતાવહીના ચોપડાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.

સાંજે વેપારી સ્વરૂપમાં દર્શન આપશે રણછોડરાયજી

ડાકોર મંદિરની દિવાળીની સૌથી વિશેષ પરંપરામાં હાટડી દર્શનનો (Dakor Hundi Darshan) સમાવેશ થાય છે. દિવાળીની સાંજે ભગવાન રણછોડરાયજી વેપારીનું સ્વરૂપ ધારણ કરીને હાટડી ભરે છે. આ પ્રસંગે ભાવિકો પોતાની હૂંડી ભગવાનને અર્પણ કરે છે. ભગવાન આ હૂંડી સ્વીકારી પોતાના ચોપડામાં તેની નોંધ કરે છે તેવી પરંપરાગત માન્યતા છે.

આ વિશેષ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચે છે. શ્રદ્ધાળુઓ ભગવાનને હૂંડી લખાવીને તેમની કૃપા અને આશીર્વાદ મેળવવા ધન્યતા અનુભવે છે.

ભગવાનને વિશેષ શણગાર, ભાવિકોમાં ઉત્સાહ

દિવાળી પર્વ નિમિત્તે રણછોડરાયજીને વિશેષ વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. મંગળા આરતી બાદ કેસર સ્નાન અને પંચામૃત સ્નાન સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. સફેદ જરીનાં વસ્ત્રો અને અલંકારોથી સજ્જ ભગવાનનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

મંદિરના પૂજારી સંજયભાઈ સેવકે જણાવ્યું હતું કે ડાકોર મંદિરમાં દિવાળીનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં (Diwali Celebration) આવે છે. ચોપડા પૂજન અને હાટડી દર્શન અહીંની પ્રાચીન પરંપરાનો મહત્વનો ભાગ છે. દર વર્ષે આ વિશેષ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનનાં દર્શનનો લાભ લે છે.


આ પણ વાંચો: ડાકોરમાં શ્રીકૃષ્ણે ધારણ કર્યું રાધાજીનું સ્વરૂપ

આ પણ વાંચો: ડાકોર મંદિરમાં ધજા અને મનોરથ પર ઝીંકાયેલો ભાવ વધારો આખરે મોકૂફ

આ પણ વાંચો: ડાકોર રણછોડજી મંદિરમાં મનોરથના ભાવમાં 4 ગણો વધારો મોકૂફ, ભક્તો અને સેવક પૂજારીઓનો વિરોધ