Dakor News/ ડાકોર મંદિરમાં ધજા અને મનોરથ પર ઝીંકાયેલો ભાવ વધારો આખરે મોકૂફ

Dakor રણછોડરાય મંદિરમાં 8 મેના રોજ મનોરથ, મહાભોગ અને ધજાના ચાર્જમાં (રૂ. 610 થી 2510) કરાયેલો તોતિંગ ભાવ વધારો ભક્તો અને સેવક સમાજના વિરોધ બાદ હાલ પૂરતો મોકૂફ રખાયો છે.

Gujarat Top Stories Others
Dakor Ranchhodraiji Temple News

Dakor Ranchhodraiji Temple News: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે આવતા લાખો વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મંદિરની ટેમ્પલ કમિટી દ્વારા શ્રીઠાકોરજીના મહાભોગ, ધજા રોહણ અને વિવિધ મનોરથોના ચાર્જ (લાગો) માં જે વધારો કરવામાં આવ્યો હતો, તે ભક્તો અને સ્થાનિક સેવક સમાજના ભારે રોષ અને વિરોધ બાદ આખરે હાલ પૂરતો મોકૂફ (સ્થગિત) રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Dakor : 610 રૂપિયાની ધજાના સીધા 2510 રૂપિયા કરાયા હતા!

ગત 8મી મે (શુક્રવાર) ના રોજ ટેમ્પલ કમિટી દ્વારા એક ઠરાવ પસાર કરીને વિવિધ મનોરથોના નવા ભાવનું લિસ્ટ નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવ્યું હતું. આ નવા લિસ્ટ મુજબ ભાવોમાં બેફામ વધારો ઝીંકવામાં આવ્યો હતો, જેમાં સુવર્ણ શિખર પર ચઢાવવામાં આવતી નાની ધજાનો જૂનો ચાર્જ રૂ. 610 હતો, તેમાં સીધો વધારો કરીને નવો ચાર્જ રૂ. 2510 કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઠાકોરજીના રાજભોગ, મહાભોગ, તુલસી વિવાહ અને અન્ય ઉત્સવોના લાગામાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.

સેવક સમાજ અને વૈષ્ણવોમાં ફાટી નીકળ્યો હતો રોષ

ડાકોર રણછોડરાયજીનું મંદિર એ લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ભક્તો માટે આસ્થાનું પરમ કેન્દ્ર છે. અનેક માઈભક્તો પૂનમ કે અન્ય વાર-તહેવારે પગપાળા ચાલીને ડાકોર પહોંચે છે અને પોતાની માનતા પૂરી કરવા ધજા ચઢાવતા હોય છે. આટલો મોટો ભાવ વધારો થતાં ગરીબ ભક્તોની આર્થિક સ્થિતિ કફોડી બને તેમ હતી. આ નિર્ણયથી ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને સ્થાનિક સેવક સમાજ પર પણ તેની માઠી અસર પડવાની ભીતિ હતી.

લેખિત રજૂઆત બાદ કમિટી ઝૂકી

સેવક સમાજના આગેવાનો દ્વારા તાત્કાલિક મેદાનમાં ઉતરીને ટેમ્પલ કમિટીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મંદિરમાં આવતા છેવાડાના શ્રદ્ધાળુઓના હિતમાં અને મંદિરની ગરિમા જાળવી રાખવા માટે આ ભાવ વધારાને તાત્કાલિક અસરથી પાછો ખેંચવા માંગ કરાઈ હતી. ચારેબાજુથી ઘેરાયેલા વિરોધના વંટોળને પગલે આખરે ટેમ્પલ કમિટીએ નમતું જોખ્યું છે અને આ ભાવ વધારો હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આગામી 15મી મે ના રોજ ટેમ્પલ કમિટી અને સેવક સમાજના આગેવાનો વચ્ચે એક મહત્વપૂર્ણ ચર્ચા યોજાશે અને ત્યારબાદ જ મનોરથોના નવા ચાર્જ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો: ડાકોર મંદિરના પૂજારી બન્યા ભૂવા, ધૂણીયા બાદ PSIની બદલી કરાવી હોવાનો દાવો

આ પણ વાંચો: તમે પણ ડાકોરના રણછોડરાયને વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતી કાલથી બુકિંગ શરૂ

આ પણ વાંચો:  ડાકોરના ઠાકોરના મનોરથ હવે મોંઘા પડશે, ધજા અને ભોગના લાગામાં તોતિંગ વધારો