Madhyapradesh News : મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા પેટાચૂંટણી (By Election)માં મતગણતરી દરમિયાન કોંગ્રેસ માટે સારા સંકેતો જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચના પ્રારંભિક ટ્રેન્ડ મુજબ 15 રાઉન્ડમાંથી 8 રાઉન્ડ પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહ ભાજપના ઉમેદવાર સામે 6,500થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે દતિયા (Datia)ની ચૂંટણી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે.
કોણ છે ઘનશ્યામ સિંહ?
દતિયાના શાહી પરિવાર સાથે જોડાયેલા ઘનશ્યામ સિંહ (Ghanshyam Singh)મધ્ય પ્રદેશના અનુભવી કોંગ્રેસી નેતા તરીકે ઓળખાય છે. શાહી પરિવારની પૃષ્ઠભૂમિ હોવા છતાં તેમની છબી સામાન્ય લોકો સાથે જોડાયેલા, સરળ અને જનસંપર્ક ધરાવતા નેતા તરીકે રહી છે. તેમના પિતા પણ મધ્ય પ્રદેશના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હતા, જેના કારણે બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણનો નજીકથી અનુભવ મળ્યો હતો.
દતિયા (Datia)ઉપરાંત સેવઢા વિસ્તારમાં પણ તેમનો સારો જનાધાર માનવામાં આવે છે. લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા ઘનશ્યામ સિંહ સતત લોકો વચ્ચે સક્રિય રહ્યા છે.
રાજકીય સફર રહી ઉતાર-ચઢાવભરી
ઘનશ્યામ સિંહનો રાજકીય અનુભવ ત્રણ દાયકાથી વધુનો છે.
- 1993માં પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી.
- 1998માં હારનો સામનો કર્યો.
- 2003માં ફરી જીત મેળવીને વિધાનસભામાં પહોંચ્યા.
- 2018માં સેવઢા બેઠક પરથી ભાજપના રાધેલાલ બઘેલને હરાવ્યા.
- 2023ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયો.
પરાજય છતાં કોંગ્રેસે (Congress)તેમના અનુભવ અને મજબૂત જનાધાર પર વિશ્વાસ વ્યક્ત કરીને દતિયા પેટાચૂંટણીમાં ફરી ઉમેદવાર બનાવ્યા.
દતિયા બેઠક પર કેમ થઈ પેટાચૂંટણી?
દતિયા (Datia)બેઠક 2023માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ભારતીએ જીતી હતી. તેમણે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને 7,700થી વધુ મતોથી હરાવ્યા હતા.
પરંતુ આ વર્ષે એપ્રિલમાં દિલ્હીની એક કોર્ટે જૂના ફ્રોડ કેસમાં રાજેન્દ્ર ભારતીને ત્રણ વર્ષની સજા ફટકારતા કાયદાકીય જોગવાઈ મુજબ તેમની વિધાનસભા સભ્યતા રદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી.
કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
દતિયા બેઠક કોંગ્રેસ માટે માત્ર એક પેટાચૂંટણી (By Election) નથી, પરંતુ 2023માં મેળવેલી જીત જાળવી રાખવાનો પડકાર પણ છે. હાલના મતગણતરીના ટ્રેન્ડમાં ઘનશ્યામ સિંહ (Ghanshyam Singh)ને મળતી લીડ કોંગ્રેસ (Congress)માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે. જોકે અંતિમ પરિણામ તમામ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
