Vadodara News: વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે (Satish Patel) આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે ભાજપ (BJP)ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma), રાજ્યના મંત્રીઓ, સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી નોંધાવતા પહેલાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટેના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)ના હસ્તે કાર્યાલયનું લોકાર્પણ થયું હતું.
સ્વ. યોગેશ પટેલને અપાઈ શ્રદ્ધાંજલિ
કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ (Yogesh Patel)ને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. તેમના પુત્ર રાકેશ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ માટે 25 હજાર નોટબુક ભેટ આપવામાં આવી હતી.
Satish Patelએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
ઉમેદવાર સતીશ પટેલે (Satish Patel) કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે માંજલપુર બેઠક પર ભાજપને ભવ્ય બહુમતી મળશે તેવો તેમને વિશ્વાસ છે. તેમણે કાર્યકરોને વધુમાં વધુ મતદાન કરાવવા અપીલ કરી અને કહ્યું કે પેટાચૂંટણીમાં જંગી વિજય મેળવી સ્વર્ગસ્થ યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
પ્રદેશ પ્રમુખે કાર્યકરોને આપી અપીલ
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વ. યોગેશ પટેલ લાંબા સમય સુધી જનતા વચ્ચે રહી સેવા આપનારા લોકપ્રિય જનપ્રતિનિધિ હતા. તેમણે જણાવ્યું કે માંજલપુર બેઠક પર ભાજપનો વિજયનો ઇતિહાસ રહ્યો છે અને આ વખતે પણ કાર્યકરોએ વધુમાં વધુ મતદાન કરાવી મોટી લીડથી ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવી જોઈએ.તેમણે જણાવ્યું કે યોગેશ પટેલે વર્ષો સુધી લોકોના પ્રશ્નોને વાચા આપી હતી અને સતીશ પટેલ પણ સંગઠનના અનુભવી કાર્યકર તરીકે એ જ પરંપરાને આગળ વધારશે.
‘વિજય વિશ્વાસ રેલી’ સાથે ઉમેદવારી નોંધાવી
કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પ્રદેશ પ્રમુખ અને અન્ય આગેવાનો સાથે ‘વિજય વિશ્વાસ રેલી’માં જોડાયા હતા. ત્યારબાદ તેઓ વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા અને સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું.
આ પણ વાંચો:ભાજપે માંજલપુર પેટાચૂંટણી માટે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન
આ પણ વાંચો:ગુજરાતમાં માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર: 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે પરિણામ
