Independence Day: 15 મી ઑગસ્ટ, એ ભારતીય ઈતિહાસનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ ગણાય છે. આ દિવસે આપણને આઝાદી મળી હતી. હવે સ્વતંત્રતા દિવસને ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ભારત દેશને સન્ 1947માં 15મી ઑગસ્ટે સ્વતંત્રતા મળી હતી. આ દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીની ચુંગાલમાથી મુક્ત થયો હતો. આથી જ પ્રત્યેક વર્ષે આપણે આ મહામૂલી આઝાદીની ઉજવણી કરીએ છીએ. આ વર્ષે અર્થાત્ 15 મી ઑગસ્ટ 2025 ના વિશેષ દિવસે આપણે સૌ ભારતીયો આપણા રાષ્ટ્રનો 79મો સ્વતંત્રતા દિવસ મનાવવાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યાં છીએ. આ ખાસ પર્વ પર સ્કૂલ અને કોલેજો ઉપરાંત, સરકારી ભવનોમાં પણ અનેક આયોજનો પણ હાથ ધરવામાં આવે છે જેમાં, ધ્વજ વંદન નો કાર્યક્રમ પ્રમુખ હોય છે. આ ઉપરાંત, આ ભવનોને સરસ રીતે શણગારવામાં આવે છે તથા તેમના પ્રાંગણમાં વિવિધ રીતે રંગોળી પણ પૂરવામાં આવે છે.
અહિં અમે તમને રંગોળીની એવી કેટલીક ડિઝાઇનો બતાવવા જઇ રહ્યાં છીએ કે જેને બનાવવી ઘણી જ સરળ છે અને ઝાઝો સમય ન લેતા, ફક્ત 15 જ મિનિટમાં બની જાય છે.

તિરંગા રંગોળી
તમે તિરંગા રંગોળી બનાવી શકો છો. સ્વતંત્રતા દિવસ પર આ રંગોળી બનાવવી શ્રેષ્ઠ રહેશે. વળી, એને બનાવવામાં તમને વધુ મહેનત કરવી નહિં પડે જેથી, ઉજવણીના અન્ય કાર્યો માટે તમે વધુ સમય ફાળવી શકશો.

ભારતનો નકશો
અન્ય રંગોળીમાં, ભારતનો નકશો બનાવીને તમે એમાં આપણા રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો -કેસરિયો, સફેદ અને લીલો રંગ ભરી શકો છો.

કઠોળ વડે રચાયેલી રંગોળી
કેસરી રંગ માટે મસૂરની દાળ, સફેદ રંગ માટે ચોખા તથા લીલા રંગ માટે મગનો ઉપયોગ કરીને તમે ભારતનો નકશો અથવા તો તિરંગો રચીને કઠોળની અનોખી રંગોળી બનાવી શકો છો.

ફૂલ-પાંદડાની રંગોળી
કેસરી રંગના ફૂલો જેવા કે કેસરી જાસૂદ, સફેદ ફૂલો જેવા કે નાગચંપો, મોગરો અથવા ચમેલી તથા લીલા રંગ માટે છોડના પાંદડાનો ઉપયોગ કરીને પણ તમે તિરંગો, ભારતનો નકશો અથવા તો કોઇ અન્ય, દેશપ્રેમના થીમ પર આધારિત, રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોના સમાવેશવાળી રંગોળી બનાવી શકો છો.

મન ભાવન ડિઝાઇનો
આ ચાર મુખ્ય ડિઝાઇનો ઉપરાંત, તમે તમારી કલ્પનાશક્તિ મુજબની અન્ય કોઇ ગમતી ડિઝાઇનવાળી રંગોળી પણ બનાવી શકો છો અને એમાં તિરંગાના રંગો ભરી શકો છો.
