Narmada News/ ડેડીયાપાડા TDO સામે પત્નીના મારઝૂડ અને અપ્રાકૃતિક સંબંધના આરોપ

TDO જગદીશ સોનીએ પત્નીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે

Gujarat Others
TDO

Narmada News :  ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોની ફરી એક વખત મોટા વિવાદમાં ફસાયા છે. આ વખતે વિવાદ વહીવટી નહીં પરંતુ વ્યક્તિગત જીવનને લઈને છે. તેમની પત્ની પ્રિયંકા સોનીએ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના બારી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા પક્ષ સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધાવી છે. ફરિયાદમાં દહેજ ઉત્પીડન, મારઝૂડ, માનસિક ત્રાસ અને અપ્રાકૃતિક શારીરિક સંબંધ જેવા આઘાતજનક આક્ષેપો કરવામાં આવ્યા છે.

SDM હોવાનું કહી લગ્ન કર્યા હોવાનો આરોપ

SDM હોવાનું કહી લગ્ન કર્યા હોવાનો આરોપ

પ્રિયંકા સોનીનું કહેવું છે કે તેમના લગ્ન 8 જૂન 2025ના રોજ જગદીશ સોની સાથે થયા હતા. લગ્ન સમયે જગદીશ સોનીએ પોતાને ગુજરાતમાં SDM હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા, જ્યારે વાસ્તવમાં તેઓ TDO તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ, લગ્નના થોડા દિવસોમાં જ પતિ જગદીશ સોની, સાસુ જશોદાબેન, નણંદ ગાયત્રીબેન અને બહેનોઈ રાકેશ ઠક્કર દ્વારા પિયરથી 50 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરાયું અને શારીરિક-માનસિક ત્રાસ શરૂ થયો.

અપ્રાકૃતિક સંબંધ અને બ્લેકમેલિંગના આક્ષેપ

ફરિયાદમાં પ્રિયંકાનો વધુ આક્ષેપ છે કે પતિએ તેની સંમતિ વિના અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા હતા. પ્રિયંકાના જણાવ્યા પ્રમાણે પતિ “સપના રાય” નામની યુવતી સાથે મોડી રાત સુધી અશ્લીલ વાતો કરતા હતા. વિરોધ કરતા બેલ્ટ વડે માર મારવામાં આવતો હતો. ઉપરાંત સાસુએ દોરડા વડે ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

TDO અને સાસુનો વળતો જવાબ

બીજી તરફ, TDO જગદીશ સોનીએ પત્નીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે પત્ની વારંવાર પિયર જતી રહેતી હતી અને નાણાં તથા દાગીનાની માંગ કરતી હતી. અગાઉ જગદીશ સોનીની માતાએ પણ રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પુત્રવધૂ ઘરકામ કરતી નથી અને સાસુ સાથે મારપીટ કરે છે.

અગાઉથી જ વિવાદિત છબી

TDO જગદીશ સોની અગાઉ પણ અનેક વખત વિવાદોમાં ચર્ચામાં રહ્યા છે. અગાઉ DDOએ તેમની ઓફિસમાં જઈ દરવાજા પરથી ગેરકાયદેસર ડિજિટલ લોક અને AC દૂર કરાવ્યા હોવાની ચર્ચા થઈ હતી. નેતાઓ સાથે ગેરવર્તણૂક અને મિટિંગોમાં અયોગ્ય ભાષા વાપરવાના મુદ્દે પણ તેમનું નામ ઉછળ્યું હતું.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કલમ 115(2) સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી અને કલમ 74 મહિલાની મર્યાદા ભંગ કરવાનો ઈરાદો સહિતની કલમોમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલ પતિ જગદીશ સોની, સાસુ, નણંદ, બહેનોઈ અને ડ્રાઈવર સહિત કુલ 5 લોકો સામે તપાસ ચાલી રહી છે. ક્લાસ-2 અધિકારી સામે આવા ગંભીર આરોપો આવતા વહીવટી તંત્રમાં પણ ચર્ચા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે


આ પણ વાંચો : બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

આ પણ વાંચો : સુરતમાં પતિએ પત્નીને માથામાં કુકર મારી ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો : સુરતના રાંદેરમાં માનસિક વિકૃત ધરાવતા પતિએ પત્નીને HIV ઇન્જેકશન આપ્યું,પોલીસે પતિની કરી ધરપકડ