Amreli News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના ભગીરથ સફળ પ્રયત્નો થકી સતત અને અવિરત જળ સંચય (Water Conservation)અભિયાન આગળ ધપી રહ્યું છે. જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ જળસંરક્ષણ (Water Conservation)માટે ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
આજરોજ કુંકાવાવના જંગર મુકામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને 100 ટકા વીજળીમુક્ત – સોલાર વિલેજ, ગ્રામ્ય મોડેલ તળાવ લોકાર્પણ તથા ‘જળ સંમેલન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે 45 ગામના તળાવો ઊંડા ઉતારવાની કામગીરીનું સંયુક્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 45 હીટાચી મશીનની ફાળવણી કરવામાં આવી હતી.
જંગર ગામ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અને ગામના દાતાઓના સંયુક્ત સહયોગથી 100 ટકા વીજળીમુક્ત ગામ બન્યું છે. દરેક ઘર પર સોલાર ઇન્સ્ટોલેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામના દાતા અને વતનના રતન એવાં રવજીભાઈ પી. વસાણી ગૃપ (અમદાવાદ) પરિવારનો ખૂબ મોટો સહયોગ છે. રાજ્યમંત્રીએ મોડેલ સોલાર વિલેજ અને મોડેલ તળાવનું લોકાર્પણ કર્યું હતું.
Water Conservation ના કાર્યો આપણી આગામી પેઢીઓને સુરક્ષિત બનાવશે
આ તકે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, આપણે આપણાં વર્તમાનની સાથે ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત બનાવવી છે. જળ સંરક્ષણના કાર્યો આપણી આગામી પેઢીઓને સુરક્ષિત બનાવશે, ખેડૂતોને ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને અનેક વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. આજે સમગ્ર જિલ્લામાં ચારેદિશામાં રોડ-રસ્તા, આંગણવાડી, પ્રાથમિક શાળાઓના બિલ્ડિંગના બાંધકામની કામગીરી, જળસંચયના વિકાસકામો તેજ ગતિએ આગળ ધપી રહ્યા છે. જિલ્લાના ‘સર્વાંગી વિકાસ’ની નેમને સાકાર કરવાનો ભગીરથ સંકલ્પ સિદ્ધ કરવો છે. તેમણે અનેકવિધ વિકાસકાર્યોની ભેટ બદલ રાજ્ય સરકારનો ધન્યવાદ કર્યો હતો.
જંગર મુકામે સોલાર વિલેજ, ગ્રામ્ય તળાવ લોકાર્પણ તથા ‘જળ સંમેલન’ કાર્યક્રમમાં કુંકાવાવ-વડીયા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો, અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુરેશ પાથર, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયા, અમરેલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી.સોજીત્રા, જંગર ગામના સન્માનનીય દાતાઓ, સ્થાનિક આગોવાનો, 45 ગામના સરપંચઓ, પી.જી.વી.સી.એલ એમ.ડી શ્રી જોષી, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, પી.જી.વી.સી.એલ અધિકારીઓ, કર્મચારીઓ, અન્ય પદાધિકારી-અધિકારીઓ, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
