Sujalam Sufalam Jal Abhiyan 2.0 Gujarat: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવા માટે કમર કસી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના ભાટ ગામથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.0 નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “કેચ ધ રેઈન” (Catch the Rain) આહ્વાનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન 23 ફેબ્રુઆરીથી 31 મે, 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે.
તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ
આ વર્ષે સરકારે દરેક તાલુકામાં ઓછામાં ઓછા 10 તળાવો ઊંડા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મુખ્યમંત્રીએ ભાટ ગામના તળાવને ખોદવાની કામગીરી કરાવી અભિયાનની શરૂઆત કરી હતી. આ તળાવ ઊંડું થવાથી ભવિષ્યમાં તેની સંગ્રહ ક્ષમતા 2.01 લાખ ઘન ફૂટ જેટલી વધી જશે.
6 વિભાગો અને જનભાગીદારીનો સંગમ
આ જળ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ નથી, પણ એક જન આંદોલન છે. જેમાં રાજ્ય સરકારના 6 મહત્વના વિભાગો – જળ સંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ અને શહેરી વિકાસ વિભાગો લોકભાગીદારીથી કામ કરશે.

Sujalam Sufalam Jal Abhiyan 2.0 હેઠળ કયા કામો થશે?
જળ સંચય અને સંગ્રહ ક્ષમતા વધારવા માટે હયાત તળાવો અને ચેકડેમોના ડીસીલ્ટીંગ એટલે કે માટી કાઢવાની કામગીરી સાથે નદીઓ અને જળાશયોની સઘન સાફ-સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત, નહેરો અને કાંસની મરામત તથા યોગ્ય જાળવણી કરીને પાણીના વહનને સરળ બનાવવામાં આવશે, તેમજ રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને નવી ખેત તલાવડીઓના નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નદીઓના કુદરતી પ્રવાહમાં અવરોધ પેદા કરતા ગાંડા બાવળ અને વધારાના ઝાડી-ઝાંખરા દૂર કરીને જળસ્ત્રોતોનું પુનઃજીવન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
8 વર્ષનો ભવ્ય રિપોર્ટ કાર્ડ
2018થી શરૂ થયેલા આ અભિયાને ગુજરાતમાં પાણીની સ્થિતિ સુધારવામાં અત્યંત મહત્વનું યોગદાન આપ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં 1.22 લાખથી પણ વધુ જળ સંચયના વિવિધ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યની કુલ જળસંગ્રહ ક્ષમતામાં 1,39,959 લાખ ઘન ફૂટનો ધરખમ વધારો નોંધાયો છે. આટલું જ નહીં, આ જળલક્ષી કાર્યો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 210 લાખ માનવદિન જેટલી રોજગારીની નવી તકો પણ ઊભી કરવામાં આવી છે, જે આ અભિયાનની સામાજિક અને આર્થિક સફળતા દર્શાવે છે.

આરોગ્ય અને સમૃદ્ધિનો પાયો
ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીને વહી જતું રોકવા માટેનું આ અભિયાન ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે ઉદ્યોગ અને સ્કીલ ડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા કરી
આ પણ વાંચો: ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
આ પણ વાંચો: આયુષ્માન કાર્ડથી કેન્સર સામે લડશે, ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ કાર્ડ માત્ર કાગળનો ટુકડો નથી….
