Punjab News: શુક્રવારે પંજાબ(Punjab)ના સુવર્ણ મંદિર (Golden Temple)માં એક વ્યક્તિએ લોખંડના સળિયા વડે કેટલાક લોકો પર હુમલો કર્યો હતો, આ ઘટનામાં બે સેવકો અને ત્રણ ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે ઘટના અંગે જણાવ્યું કે હુમલાખોર સુવર્ણ મંદિરના ગુરુ રામદાસ નિવાસમાં ફરતો જોવા મળ્યો હતો, જેને ગુરુ રામદાસ સરાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ના સચિવ પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે હિંસક બન્યો અને SGPC કર્મચારીઓ અને અન્ય લોકો પર હુમલો કર્યો. જોકે, આ મામલાની તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર હરિયાણાનો રહેવાસી હતો. SGPC સચિવ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા ભક્તોમાંથી ત્રણ મોહાલી, ભટિંડા અને પટિયાલાથી આવ્યા હતા, જ્યારે અન્ય બે શ્રી દરબાર સાહિબ (સુવર્ણ મંદિર)ના સેવાદાર હતા. ઘાયલોને ગંભીર હાલતમાં શ્રી ગુરુ રામદાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોર અને તેના સાથીને ઝડપી લેવાયો છે. SGPC સચિવે સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી હુમલાખોર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે, “શ્રી દરબાર સાહિબ કોમ્પ્લેક્સમાં કર્મચારી જસબીર સિંહે એક વ્યક્તિને જોયો હતો, તે બીજા માળે હતો. જ્યારે તેને નીચે આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી દીધી. તે પછી કર્મચારી જસબીર સિંહ બીજા માળે ગયો અને ફરીથી તેને નીચે આવવા કહ્યું. આ દરમિયાન, તે વ્યક્તિએ લોખંડનો સળિયો પકડ્યો. તેણે જસબીર સિંહ પર સળિયાથી હુમલો કર્યો. બાદમાં, બાકીના કર્મચારીઓ ભેગા થઈ ગયા અને હમલાખોરને ઝડપી લીધો. ઝપાઝપીમાં કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. તેની ઓળખ ઝુલ્ફાન તરીકે થઈ છે. તે હરિયાણાના યમુના નગરનો રહેવાસી છે. પોલીસે FIR નોંધી ધરપકડ કરી છે. આ ઘટનામાં કુલ 5 લોકો ઘાયલ થયા છે.”
આ પણ વાંચો:પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં સેવા આપી, ગુરુદ્વારામાં ધોયા વાસણો
આ પણ વાંચો:જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને સુવર્ણ મંદિરની જવા પર હોબાળો, SGPCએ નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો:સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનો પ્રયાસ, લોકોએ યુવકને માર મારી ઉતાર્યો મોતને ઘાટ