DGFT Trade Notice: દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ (Geopolitical Developments) ની અસર ભારતના વેપાર પર ન પડે તે માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલય હેઠળ ‘ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ગ્રુપ’ (IMG) ની રચના કરવામાં આવી છે, જે ભારતીય સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવાનું કામ કરશે. ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આજે 3 માર્ચ 2026ના રોજ એક ટ્રેડ નોટિસ બહાર પાડીને આ જાણકારી આપી છે.
DGFT: કેમ લેવાયો આ નિર્ણય?
ગઈકાલે એટલે કે 2 માર્ચ 2026ના રોજ વાણિજ્ય વિભાગના સ્પેશિયલ સેક્રેટરી અને DGFTના ડિરેક્ટર જનરલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ઉથલ-પાથલની ભારતીય નિકાસ (Export) પર શું અસર થઈ રહી છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સપ્લાય ચેઈનમાં આવતી અડચણોને દૂર કરવા માટે આ ખાસ ગ્રુપ (IMG) બનાવવાનો નિર્ણય લેવાયો છે.
IMG (ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ગ્રુપ) શું કામ કરશે?
આ ગ્રુપનું પ્રાથમિક અને મુખ્ય કાર્ય ભારતીય નિકાસકારો અને આયાતકારોને વૈશ્વિક વ્યાપારમાં આવતી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું રહેશે. આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે, ગ્રુપ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધ કે તણાવની શિપિંગ લાઈન પર થતી અસરોનું સતત બારીકાઈથી મોનિટરિંગ કરશે. તે ઉપરાંત, કયા ચોક્કસ સેક્ટરના એક્સપોર્ટ કે ઈમ્પોર્ટમાં અવરોધો આવી રહ્યા છે, તેની સેક્ટર મુજબ ગંભીરતાથી સમીક્ષા કરશે. અલગ-અલગ મંત્રાલયો વચ્ચે અસરકારક સંકલન સાધીને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે આ ગ્રુપ સક્રિય રહેશે અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તેમજ વેપારીઓ સાથે સીધો સંવાદ સાધીને જરૂરી પગલાં લેવાની ભલામણ પણ કરશે, જેથી વેપાર પ્રક્રિયા સરળ બની રહે.
વેપારીઓ અહીં કરી શકશે સીધી ફરિયાદ
DGFT દ્વારા વેપારીઓ અને ઉદ્યોગ જગતની સુવિધા માટે એક નવી ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, જો કોઈ વેપારીને સપ્લાય ચેઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય, તો તેઓ સીધો જ સરકારનો સંપર્ક કરી શકે છે. આ હેતુ માટે એક ખાસ ઈમેલ આઈડી adg1-dgft@gov.in જાહેર કરવામાં આવ્યું છે, જેના પર વેપારીઓ પોતાની ચોક્કસ સમસ્યાઓ મોકલી શકે છે જેથી સરકાર તેના પર ત્વરિત એક્શન લઈ યોગ્ય નિરાકરણ લાવી શકે.
આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને મોટા રાહતના સમાચાર મળ્યા છે, કારણ કે હવે તેમની સમસ્યા સાંભળવા માટે એક ડેડિકેટેડ ટીમ તૈયાર છે.
આ પણ વાંચો: પેટ્રોલ શું GST ના દાયરામાં આવશે ? સિગારેટ પર સરકાર લઈ રહી છે મોટો નિર્ણય!
આ પણ વાંચો: ગેરકાયદેસર નેશનલ હાઇવે પરના ડીવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી
આ પણ વાંચો: નાઈજીરીયામાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70ના મોત

